Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાઇનાથી ઓપરેટ થતા કૌભાંડનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો

  • April 21, 2024 

ભારતીયોને જ ટાર્ગેટ કરીને તેમને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે તે ચાઇનાથી ઓપરેટ થતા કૌભાંડનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. લોકોને ડરાવવા ધમકાવવા માટે ચાઇના, કંબોડિયા અને હોંગકોંગમાં ખાસ ગેરકાયદે સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. કામકાજની લાલચમાં ત્યાં ગયેલા ગુજરાતી-ભારતીય યુવાનો જ આ સેન્ટરમાં કામ કરતા થઇ ગયા છે. જે યુવાનો આ કામગીરીમાં લાગી ગયા તેઓ પરત આવવાની વાત કરે કે કામ કરવાનો ઇનકાર કરે તો તેમના પાસપોર્ટ જપ્ત કરી લઇ તેમને પણ ટોર્ચર કરવામાં આવતા હોવાની વિગતો સામે આવી રહી છે. લોકોને ડરાવી-ધમકાવીને જે રૂપિયા પડાવવામાં આવે છે તે ફેરવવા માટે આ ગેંગના મળતિયાઓ લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઇ રહ્યા છે. આ મળતિયાઓને એ વાતની પણ જાણ નથી કે તેઓ દેશના દુશ્મનો માટે કામ કરી રહ્યા છે.


ચાઇનાના ચોક્કસ શહેરમાં સીબીઆઇ કે ઇડી અથવા કસ્ટમની ઓફિસ જેવો આખો સેટ તૈયાર કરવામાં આવે અને પોલીસના યુનિફોર્મમાં બેઠેલા બોગસ અધિકારીઓ અમદાવાદ સહિત દેશભરના ટાર્ગેટ કરેલા લોકોને ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી રહ્યા છે. ચાઇનીઝ માફિયાના ઇશારે આવા સેન્ટરો ચાઇનાના શાંઘાઇ, હોંગકોંગ અને કંબોડિયામાં ધમધમી રહ્યા છે. ચોક્કસ સર્ચ એન્જિનની મદદથી ટાર્ગેટ આઇડેન્ટિફાય કરવામાં આવે છે અને તેમની સાથે ગુજરાતી કે હિન્દીમાં વાત કરી સીબીઆઇ અને ઇડીનો ડર બતાવી પૈસા પડાવાય છે. આશ્ચર્યની વાત એ છે કે આવા કોલ સેન્ટરોમાં કામ કરતા મોટા ભાગના યુવાનો ભારતથી જ કામ ધંધાની શોધમાં ચાઇના કે હોંગકોંગ ગયેલા યુવાનો છે. ચોક્કસ ગેંગ દ્વારા આવા યુવાનોને આ ધંધામાં ધકેલવામાં આવી રહ્યા છે. અમદાવાદથી પણ ગયેલા ઘણા યુવાનો આ કોલસેન્ટરોમાં કામ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.


પહેલાં લાલચમાં આવીને દેશવાસીઓને ડરાવવાનો ધંધો કરતા યુવાનો જ્યારે કામ કરવાની ના પડે ત્યારે તેમને પણ ટોર્ચર કરવામાં આવે છે અને પાસપોર્ટ જપ્ત કરી આ કામ કરવાની ફરજ પાડવામાં આવતી હોય છે. જે રીતે આ યુવાનો લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતા હોય છે તેના વીડિયો ઉતારી લેવામાં આવે છે. જેના આધારે પણ યુવાનો આ કામ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં આવા માફિયાની ચૂંગાલમાં ફસાયેલા એક ગુજરાતી યુવકને મુક્ત કરાવવા માટે પરિવારે માફિયાને લાખો રૂપિયાની ખંડણી આપી હતી. ટાર્ગેટ પાસેથી પૈસા પડાવવામાં આવે ત્યારે આ રૂપિયા જે એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હોય છે તે એકાઉન્ટ ખોલાવવા માટે અને જરૂરિયાતમંદ લોકો પાસેથી આવા એકાઉન્ટ ભાડે લેવા માટે પણ જે લોકો કામ કરી રહ્યા છે તેઓ કમિશનની લાલચમાં જ દેશના દુશ્મનોને મદદ કરી રહ્યા છે.


આ યુવકો એ પણ નથી જાણતા હોતા કે તેઓ કોના માટે કામ કરી રહ્યા છે. અમદાવાદમાં આઠેક વર્ષ પહેલાં સેંકડો કોલ સેન્ટર ચાલતા હતા. જેમાં ઘણા સંચાલકો તો એટલી હદે પાવરફુલ હતા કે તેઓ ધારે તેવા આદેશ કમિશનર ઓફિસમાંથી કરાવી શકતા હતા. કમિશનર ઓફિસમાં જ બેસતા કેટલાક અધિકારીઓએ પણ ભાગીદારીમાં કોલ સેન્ટરો શરૂ કરી દીધા હતા. આ અમદાવાદથી ઓપરેટ થતા કોલ સેન્ટરોમાં અમેરિકન નાગરિકોને ઇન્સ્યોરન્સ કે લોનના બાકી પેમેન્ટ અને પેનલ્ટીનો ડર બતાવી તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. આ બાબતે અમેરિકન ગવર્નમેન્ટ અને એફબીઆઇ દ્વારા દિલ્હીમાં ફરિયાદ કરવામાં આવી અને તપાસ થઇ આખરે આ દૂષણ બંધ થયું. હવે આવા સેન્ટરો ચાઇનાથી ઓપરેટ થઇ રહ્યા છે અને ભારતીયોને ડરાવીને પૈસા પડાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે માઇકાના પ્રેસિડેન્ટ શૈલેન્દ્ર મહેતાની ફરિયાદને આધારે તપાસ કરીને આ કૌભાંડના 13 આરોપીને ઝડપી લીધા છે. જૈ પૈકી મોઇન અને નેવીવાલા અલ્તાફ યુનુસ માસ્ટર માઇન્ડ છે. તેઓ આ કૌભાંડ માટે વારંવાર ચાઇના પણ ગયા હોવાની વિગતો સામે આવી છે. મોઇન ઝડપાયો છે. હવે નેવીવાલા ઝડપાય ત્યારે ઘણી વિગતો ખૂલે તેવી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application