વરાછાના મિનિબજાર સ્થિત સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રિય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જરખીયા-ગોવિંદપરા-સુરજપરા જન જાગૃતિ પ્રગતિ મંડળ’ દ્વારા રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગએ જણાવ્યું હતું કે, દક્ષેશભાઈ, ભરતભાઈ અને રમેશભાઈ જેવી ત્રણ હસ્તીઓ મહત્વની જવાબદારી અદા કરી રહ્યા છે. તેઓને ગામ, શહેર, રાજ્ય અને દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવાની સુર્વણ તક મળી છે. મહત્વની જવાબદારી સાથે પ્રજાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે તન મનથી લોકોની સેવા કરવામાંથી ચૂકવું ન જોઈએ. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ એ જનપ્રતિનિધિની મહત્વની જવાબદારી છે.
પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. શ્રી રૂપાલાએ કહ્યું કે, સુરત એ દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે, જેનાથી અન્ય શહેરો પણ પ્રેરણા લઈ રહ્યાં છે. મિની ભારત સુરતમાં ભાત-ભાતના લોકો સૌ સાથે મળી પ્રેમપૂર્વક રહે છે. આવા સુરતના પ્રથમ નાગરિક તરીકે સેવા કરવાનો મોકો સમાજ ગૌરવ સમાન મેયર દક્ષેશ માવાણીને મળ્યો છે, ત્યારે સુરતના વિકાસ સાથે સમાજનો પણ વિકાસ કરે એવી શુભેચ્છાઓ મંત્રીશ્રીએ પાઠવી હતી. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રેરક માર્ગદર્શન થકી દેશમાં થઈ રહેલા કાર્યોની નોંધ દેશ-દુનિયામાં લેવાઈ રહી છે. જી-૨૦ દ્વારા વિશ્વની આપણા ભારત પર નજર પડી છે. આજે અન્ય દેશો ભારત સાથે મૈત્રી માટે હાથ આગળ વધારી રહ્યા છે.
કોરોના કાળ પછી દેશ-દુનિયાનું અર્થતંત્ર ખોરવાઈ જવા પામ્યું હતું, ત્યારે ભારત દેશનું અર્થતંત્ર અડીખમ રહ્યું છે. રેલ્વે મંત્રી જરદોશે તા.૫ નવેમ્બરથી સુરત-મહુવા દિવાળી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, સન્માન એ સંસ્કાર સાથે જોડાયેલો શબ્દ છે. સમાજમાંથી ડોક્ટર, એન્જિનિયર અને ઉદ્યોગપતિ ઘણા બને છે, પણ લીડર કોઈ એક જ વ્યક્તિ બને છે, સમાજના દરેક વર્ગો માટે નિ:સ્વાર્થભાવે કામ કરતો વ્યકિત એક સફળ લીડર બને છે. જે સમાજના દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન આપી સેવાના ભાવથી કાર્યો કરે છે, એવા લીડરનું સન્માન થવું સમાજ માટે ગૌરવપૂર્ણ બાબત છે. સમાજના યુવાનો આગવી પદપ્રાપ્તિથી આગળ વધી રહ્યા છે, ત્યારે સમાજ દ્વારા થતા સન્માનથી તેમના ઉત્સાહ અને કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500