જામનગરનાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં ખુલ્લા બોરવેલમાં ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. બાળકી હાલ બોરની અંદર 20 ફૂટ નીચે ફસાયેલી જોવા મળી રહી છે. બચાવ કરનારની ટીમને બાળકીને હાથ દેખાયા હતાં. હાલમાં ઓક્સિજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં ફસાઈ ગઈ છે. વાડી વિસ્તારમાં બોરવેલમાં બાળકી ફસાઈ જતાં આસપાસના લોકો તેમજ ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ફાયરની ટીમની સાથે 108ની ટીમ પણ બાળકીને બચાવવા તાત્કાલિક દોડી આવી હતી. ટીમોએ હાલ રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. બચાવ કામગીરીમાં ફાયરબ્રિગેડ શાખા અને ગ્રામજનો સહિતના લોકો જોડાયા છે.
આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એન.પાન્ડિયને મીડિયાને જણાવ્યું હતું કે, ખેત મજૂરી કરતા અને મુળ મધ્યપ્રદેશનાં રહેવાસી એવા શ્રમિક પરિવારની બાળકી સવારે 10 વાગ્યે બોરવેલમાં પડી ગઈ હતી. અકસ્માતે રમતા-રમતા બાળકી પડી ગઈ હતી. કેમરા સાથે ફાયરની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. હાલ બાળકી અંદાજે બોરની અંદર 20 ફૂટ નીચે છે. બાળકની હાથ દેખાઈ રહ્યા છે. ઓક્સિજનની પણ કાર્યવાહી ચાલું છે. બોરવેલની સાઈડમાં ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500