ઉચ્છલના કટાસવાણ ગામે એક મહિલાના પતિ સાથે ગામની જ અન્ય એક મહિલાના આડા સંબંધ હોવાની વાતે ઝઘડો થતાં ત્રણ આરોપીઓ દ્વારા ફરિયાદી મહિલાને લાકડાંના સપાટા મારવામાં આવ્યાં હોવાનો બનાવ નોંધાયો હતો.
ઉચ્છલના કટાસવાણ ગામે રહેતાં ઈલુબહેન સંજયભાઇ ગામીત મજૂરી કરે છે અને તેમના લગ્ન સંજયભાઇ ગામીત સાથે થયા છે અને તેમના બે સંતાન છે.તેઓ ગત 14 મી સાંજના સમયે પોતાના પતિ કે જે ફળિયામાં બેસવા ગયેલા હતાં તેમને બોલાવવા માટે ગયા હતાં ત્યારે રસ્તામાં રસીલાબહેન ગામીત મળ્યા હતાં. રસીલાબહેને ફરિયાદી ઈલું બહેનને કહ્યું કે તારા ઘર વાળા સાથે મારો આડો સંબંધ છે એવું તું કેમ લોકોને કહે છે. આ શબ્દો કહી રસીલાબહેને ફરિયાદી બહેન સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં ઇલુબહેન ઘરે ચાલી ગયા હતાં.
દરમિયાન રાત્રીના આઠ કલાકે ફળિયામાં જ રહેતાં સંદીપ આલિયા ગામીત, આલિયા ગોદીયા ગામીત અને રસીલાબહેન ફરિયાદીના ઘરે આવ્યા હતાં. તેમણે ઇલુબહેનને કહ્યું કે તું રસીલાને કેમ તારા પતિ સાથે આડો સંબંધ છે એમ કહી ગાળો આપી ઝપાઝપી કરી વાળ પકડી ખેંચી ઢીક મુક્કીનો માર મારવા માંડ્યા હતાં. આ સમયે સંદીપ ગામિતે નજીક પડેલું લાકડું ઉંચકી તેના વડે ઇલુબહેનને બરડા અને કમરના ભાગે સપાટા માર્યા હતાં. દરમિયાન ફળિયાના અન્ય લોકો દોડી આવી તેણી ને વધુ માર ખાતા બચાવી હતી.આરોપી સંદીપે જતાં જતાં મહિલાને ધમકી આપી હતી કે તું ગામ છોડી ને જતી રહેજે નહિ તો હું તને મારી નાખીશું.
આ બનાવ વખતે મહિલાનો પતિ સંજય પણ ત્યાં ઉપસ્થિત હતો. આમ છતાં તે એક પણ શબ્દ બોલ્યો ન હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે નવપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે બંને પક્ષો વચ્ચે સમાધાન નહિ થતાં આખરે ઉચ્છલ પોલીસ મથકે સંદીપ આલિયા ગામીત, આલિયા ગોદીયા ગામીત અને રસીલા બહેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500