Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અખાદ્ય મલાઈનો જથ્થો ઝડપાયો,આ મલાઈનો ઉપયોગ જંક ફૂડ અને બીજી ઘણી મિલ્ક પ્રોડક્ટમાં થતો હતો

  • October 11, 2023 

રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 7 ટન અખાદ્ય મલાઈનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.


હાલના દિવસોમાં ગુજરાતમાં નકલી દૂધ, ઘી ઝડપાયું હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા દરોડામાં ઘણીવાર અખાદ્ય મીઠાઈઓને પણ ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવે છે. મોટી મોટી બ્રાન્ડની ખાદ્ય ચીજોના સેમ્પલની ગુણવત્તાઓ પણ નબળી નીકળે છે. ઘણાં પિત્ઝા સ્ટોરમાંથી વંદો, જીવડો કે જીવાત નીકળી હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આ જ શ્રેણીમાં સામેલ થઈ શકે તેવો બનાવ રાજકોટમાં બનવા પામ્યો છે. આ વખતે એક્સપાયરી થઈ ગયેલી મલાઈનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.


આરોગ્ય વિભાગના ચેકિંગમાં સામે આવ્યું હતું કે આ મલાઈ જનતા મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટસની હતી અને તેનું ઉત્પાદન જાન્યુઆરીથી માર્ચ મહિનાના ગાળામાં કરવામાં આવ્યું હતું. સરધાર રોડ પર આવેલા રફાળા ગામે મલાઈનું ઉત્પાદન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. આ મલાઈનો જથ્થો જેની કુલ માત્રા લગભગ 7000 કિલો એટલે કે 7 ટન જેટલી થવા જાય છે તે એક્સપાયરી થઈ ગઈ હતી. આ અખાદ્ય મલાઈનો જથ્થો રવિરાજ આઈસ્ક્રીમમાં સ્ટોર કરવામાં આવ્યો હતો. જેને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.


મહત્વનું છે કે આ મલાઈનો ઉપયોગ જંક ફૂડ અને બીજી ઘણી મિલ્ક પ્રોડક્ટમાં થતો હોવાનું સામે આવ્યું હતું. નોંધનીય છે કે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ જનતા મિલ્ક ફૂડ સ્ટોરના ગોડાઉનમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડામાં આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. હવે આગળ શું કાર્યવાહી હાથ ધરાશે તે તપાસ બાદ સામે આવી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application