જીલ્લા સેવા સદન થી મુસા ગામ તરફ જતા જાહેર રોડ ઉપર, જીલ્લા સેવા સદનની બાજુમાંથી આજરોજ પોલીસ કોન્સ્ટેબલ યશવંત સોનુભાઇ પવાર નોકરી-પોલીસ હેડકવાર્ટર,વ્યારા જી.તાપી વર્ગ- 3 ના ને લાંચની રકમ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યો છે. જેને લઇ લાંચિયા પોલીસકર્મીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે, જોકે આ મામલે આરોપી પોલીસકર્મીએ વસાવેલી બેનામી સંપતી ની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ફરીયાદીને સાગી લાકડાની હેરફેરના ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી
મળતી માહિતી અનુસાર એસીબીને ફરીયાદ કરનાર જાગ્રત નાગરિક પોતાની મહિન્દ્ર મેક્સ પીકઅપ લઇને ગઇકાલ તા.17મી ડીસેમ્બર ના રોજ વાલોડ થી પોતાના ઘર તરફ જઇ રહેલ તે દરમ્યાન વ્યારા ખાતે આક્ષેપિત દ્વારા અટકાવવામાં આવેલ અને પીકઅપ ગાડી પોતાના ઘરે મુકાવી દિધેલ તેમજ ફરીયાદીને સાગી લાકડાની હેરફેરના ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી, ગાડી છોડાવવા માટે રૂપિયા 1,50,000/-ની લાંચની માંગણી કરેલ. ત્યારબાદ વાટાઘાટોના અંતે રૂપિયા 50 હજાર ની લાંચની માંગણી કરી જે પૈકી રૂપિયા 40 હજાર આક્ષેપિતે, ફરીયાદી પાસે લઇ ફરીયાદીની પીકઅપ કાર પરત આપી દિધેલ અને બાકીની રકમ રૂપિયા 10 હજાર ન આપે તો ફરીયાદીને ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી રૂપિયા 10 હજાર લાંચની રકમની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, નવસારી એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ યશવંત પવારે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી લેતા એસીબીના હાથ ઝડપાઈ ગયો છે. હાલ આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500