ઉમરગામ ઝરોલીમાં પુત્રએ પિતાને લાકડાના પાયાના ફટકા માથામાં મારી પેટમાં સળિયો ઘોંચી મોતને ઘાટ ઉતાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝરોલીના પથ્થર ફળિયામાં રહેતા જગદીશભાઇ હળપતિ (ઉ.વ.53)નાંએ રવિવારે રાત્રે આશરે સવા આઠેક વાગ્યે ઘરની આગળના ભાગે જાહેરમાં પાણીનો નળ ચાલુ હોવા બાબતે પત્ની પુષ્પાને ટકોર કરી હતી. તેથી દંપતી વચ્ચે ઝઘડો થતાં તેમનો દીકરો વિરલ (ઉ.વ.24) ત્યાં આવી પહોંચ્યો હતો. જે બાદ વિરલે તેના પિતા જગદીશભાઈ સાથે ઝપાઝપી કરી કપડાં ધોવાનો ધોકો અને પ્લાયની લાકડાની પટ્ટી વડે માથામાં ફટકા મારી દીધો હતો.
એટલું જ નહીં, ઘરમાંથી લોખંડનો સળિયો લઈ આવી પિતાના પેટના ડાબા ભાગે ઘોંચી દીધો હતો. જે બાદ તેણે માર મારવાનું ચાલુ રાખતાં જીવ બચાવવા માટે જગદીશભાઈએ ત્યાંથી દોટ મુકી હતી. જે બાદ તેઓ તેમના મોટા ભાઈ રમેશ હળપતિના ઘરે પહોંચી ગયા હતા અને વિરલે માર માર્યાની વાત કરી હતી. ત્યારબાદ રમેશભાઈ તેના ભાઈને ઘરે પહોંચી વિરલને પૂછતાં તે ઉશ્કેરાઈ જઈને ત્યાંથી જતો રહ્યો હતો.
જયારે બીજા દિવસે રમેશભાઈ તેમની પત્ની જોડે જૂનાગઢ જતા હતા. તે દરમિયાન તેમના સંબંધીએ ફોન કરીને જણાવ્યું હતું કે, જગદીશભાઈ ઝરોલી હળપતિવાસ ખાતે શકુબેન હળપતિના ઘરના ઓટલા ઉપર મૃત હાલતમાં પડ્યા છે અને તેના માથા ઉપર પાટો બાંધેલો છે. જેની જાણ ગામના જયંતિભાઈ પટેલે પોલીસને જાણ કરી હતી. આખરે પોલીસે સ્થળ પર પહોંચીને લાશને ભિલાડ સીએચસી ખાતે ખસેડી પીએમ કરાવ્યું હતું. પીએમ રિપોર્ટ આવતા જગદીશભાઈનું મોત માથા તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે થયું હોવાનું જણાયું હતું. બનાવની ફરિયાદ મૃતકના ભાઈ રમેશભાઈ હળપતિએ ભિલાડ પોલીસ મથકમાં કરતા પોલીસે વિરલની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500