મૂળ રાજસ્થાનના બીકાનેરના વતની અને સુરતના ભટાર રોડ મંગલદીપ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.506 માં રહેતા 32 વર્ષીય યોગેશભાઇ હરીકિશનભાઇ ભુતડા રીંગરોડ કોહિનૂર માર્કેટમાં કલર્સ ફર્મના નામે કાપડની દુકાન ધરાવે છે. તે છેલ્લા બે વર્ષથી જયપુરના સાંગાનેર ઓક્સફોર્ડ સ્કુલની પાસે અસીંદ નગર પ્લોટ નં.127,128 જ્યોતિ ટાવરના બીજા માળે દુકાન નં.203 માં એમ.એન.એજન્સીના નામે કાપડની દલાલીનું કામ કરતા અનિલ જૈન મારફતે જયપુર માલ મોકલતા હતા. સપ્ટેમ્બર 2019 માં અનિલ જૈન તેમની ઓફિસ નજીક ત્રિપુરા નગર 30-31 માં ત્રિવમ ફેશનના નામે વેપાર કરતા ભાવેશ શૈલેશભાઇ સુમેરીયાને લઈ તેમની પાસે આવ્યા હતા અને 60 દિવસમાં પેમેન્ટની વાત કરતા યોગેશભાઈએ તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો.
યોગેશભાઈએ 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2021 દરમિયાન અનિલ જૈન મારફતે ભાવેશ સુમેરીયાને કુલ રૂ.46,98,838 નું કાપડ ટ્રાન્સપોર્ટમાં મોકલ્યું હતું. ભાવેશ સુમેરીયાએ તેની સામે આપેલા પેમેન્ટના ચેક રિટર્ન થતા યોગેશભાઈએ દલાલ અનિલ જૈનને વાત કરી તો તેણે હાથ ઊંચા કરી દીધા હતા.વેપારી ભાવેશ સુમેરીયાને પેમેન્ટની વાત કરી તો તેણે તમને મારે કોઈ પેમેન્ટ આપવાનું નથી અને આપીશ પણ નહીં, હવે પછી પેમેન્ટ ભૂલી જજો તેમ કહ્યું હતું.બાદમાં તે પોતાની દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે યોગેશભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે દલાલ અને વેપારી વિરુદ્ધ ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500