સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીના ભાગરૂપે નોડલ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક આજે તા.૧૩/૦૨/૨૦૨૧ના રોજ જિલ્લા સેવા સદન ખાતે સભાખંડમાં જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.જે.હાલાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં તમામ નોડલ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી પોતાની કામગીરી સમીક્ષા અહેવાલ રજુ કર્યો હતો.
નોડલ અધિકારીશ્રીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે, દરેક ચૂંટણી અધિકારીઓએ નાનામાં નાની બાબતોથી અવગત રહેવું તથા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખૂબ જ તકેદારી રાખી ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવાની રહેશે. કોવીડ-૧૯ની સાવચેતી પણ રખાય તેમજ આરોગ્ય વિભાગ દ્વારા હજારથી વધુ મતદારો હોય ત્યાં વધારાની આરોગ્યની ટીમની ગોઠવણીનું આયોજન કરવું. સેનેટાઈઝર, માસ્ક, ગ્લોવ્ઝ,પી.પી.ઈ.કીટ જિલ્લાના તમામ સ્થળોએ પુરતા પ્રમાણમાં મળી રહે તે મુજબની વિતરણ વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગને જણાવ્યું હતું.
નોડલ અધિકારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અને નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનિયાએ જણાવ્યું હતું કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ફોર્મ ચકાસણી તેમજ ફરીફ ઉમેદવારોની યાદી તૈયાર થઇ જાય પછી ચૂંટણી અધિકારીના સંકલનમાં રહી મતદાર મથકવાર મતપત્રો જરૂરિયાતની આંકડાકીય માહિતી જુદા જુદા ચૂંટણી અધિકારીઓ પાસેથી મેળવી હરીફ ઉમેદવારોની યાદી મુજબના મતપત્રો નિયત કરેલી પ્રેસમાં છપાવવાની કામગીરી,વિતરણ વ્યવસ્થા, કામગીરીનું સંકલન,મોનીટરીંગ અને રીપોર્ટીંગ સમયસર કરવાનું રહેશે. દરેક ઉમેદવારોએ કરેલ ખર્ચના હિસાબો સમયસર રજુ કરવામાં આવે તે ખર્ચના નોડલ અધિકારીએ જોવાનું રહેશે. વધુમાં તમામ ચૂંટણી અધિકારઓએ સ્ટેશનરી મટીરીયલ્સ જેવી સાધન-સામગ્રીની જરૂરિયાત અંગે સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે.
કાયદો અને વ્યવસ્થા,પોસ્ટલ બેલેટ,પ્રચાર-મીડિયા, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ,સ્ટાફ વેલફેર,તાલીમ મેનેજમેન્ટમટીરીયલ મેનેજમેન્ટ,હેલ્પ લાઈન અને ટેલીફોન કંટ્રોલરૂમ,ચૂંટણી સ્ટાફનું વ્યવસ્થાપન,ઉમેદવારોના હિસાબોનું મોનીટરીંગ,ઈ-ડેશબોર્ડની કામગીરી,ઈવીએમ સ્ટ્રોંગરૂમ-મતગણતરી હોલ તૈયાર કરાવવા વિગેરે તમામ નોડલ અધિકારીઓએ પોતાની કામગીરી અહેવાલ રજુ કર્યો હતો.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણી,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ,માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેર મનીષ એસ.પટેલ, પંચાયત માર્ગ અને મકાન વિભાગના એસ.એમ.બારોટ,એ.આર.ટી.ઓ વી.જે.ગોહિલ,નાયબ ખેતી નિયામક પી.આર.ચૌધરી,જીલ્લા તિજોરી અધિકારી એ.બી.હળપતી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500