શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં જઈ ૧૦૦થી વધુ દર્દીના આધારકાર્ડ અપડેટ કરાવ્યા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આઈસીડીએસ શાખામાં ચાલતી આધાર યોજના હેઠળ ICDS વિભાગના તમામ લાભાર્થીઓ જેમ કે સગર્ભા, ધાત્રી, બાળકો તથા કિશોરીઓના તેમજ તથા અન્ય રહીશોના નવા આધારકાર્ડ કાઢવાની તેમજ આધારકાર્ડમાં તમામ પ્રકારના સુધારા જેવા કે નામ, એડ્રેસ, જન્મ તારીખ, મોબાઈલ નંબર તેમજ બાયોમેટ્રિક સુધારા કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં ICDS વિભાગ અંતર્ગત ચાલતી આધાર કીટ ગામે ગામ જઈને તમામ રહીશોના આધાર નોંધણી અને સુધારણાની કામગીરી કેમ્પ મોડમાં કરી રહી છે.
જે અંતર્ગત ધરમપુર તાલુકામાં ચાલતી આધાર કીટ પર અજયભાઈ ગાંવિત દર માસના ચોથા સોમવારે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં જઈને જરૂરિયાતમંદ દર્દીઓના આધાર અપડેશનની કામગીરી કરી રહ્યા છે. ICDS વિભાગના પ્રોગામ ઓફિસરે જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આયુષ્યમાન કાર્ડના લાભ માટે તેમનો આધારકાર્ડ અપડેટ હોવો જરૂરી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારના ઘણા લોકો આ વસ્તુથી માહિતગાર ન હોવાથી જયારે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય અને આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તેમને ખ્યાલ આવે કે તેમનો આધારકાર્ડ અપડેટ નથી. આ સમયે દર્દી અન્ય આધાર સેન્ટર પર જઈને પોતાનો આધારકાર્ડ અપડેટ કરાવે તેવી સ્થિતિમાં હોતા નથી.
આવા સમયે ICDS વિભાગ અંતર્ગત ચાલતી કીટ દ્વારા તેમને ત્વરિત સેવા આપી તેમના આધારકાર્ડ અપડેટ કરી આપવામાં આવે છે, જેને પગલે તેમનો આયુષ્યમાન કાર્ડનો ખરા સમયે ઉપયોગ થઈ શકે છે. માનવતાનું એક ઉમદા ઉદાહરણ ICDS વિભાગે પૂરું પાડ્યું છે. આ સિવાય અન્ય પણ કોઈ હોસ્પિટલમાં દર્દીઓ આઈસીયુમાં દાખલ હોય કે ચાલી શકતા ન હોય તો તેવા સંજોગોમાં આઈસીડીએસ વિભાગની ટીમ તેમની પાસે પહોંચી આધારકાર્ડ અપડેટ કરાવી આપશે. ઉલ્લેખનીય છે કે, ધરમપુર તાલુકામાં આ સમગ્ર કામગીરી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના મેનેજમેન્ટ અને પ્રોગ્રામ અધિકારી નિલમબેન આર. પટેલના સંકલનથી કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500