ભારતીય ચૂંટણી પંચના સ્થાપના દિન એટલે કે ૨૫મી જાન્યુઆરી ‘રાષ્ટ્રીય મતદાતા દિન’ (નેશનલ વોટર્સ ડે) તરીકે દર વર્ષે દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અમરોલી સ્થિત જે.ઝેડ.શાહ આર્ટસ કોલેજ ખાતે નવા મતદાતા સંમેલન યોજાયું હતું. મંત્રીશ્રીએ નવા નોંધાયેલા યુવા મતદારોને મતદાન કાર્ડ અર્પણ કર્યા હતા. આ વેળાએ દેશવ્યાપી કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને નવા મતદારોને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે વનમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત પ્રજાસત્તાક દેશ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે બન્યો તેના એક દિવસ અગાઉ એટલે કે ૨૫ જાન્યુઆરીએ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસને ૨૦૧૧થી રાષ્ટ્રીય મતદાતા દિવસ (નેશનલ વોટર્સ ડે) તરીકે મનાવવામાં આવે છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વિવિધ દેશોમાં સમાન મતાધિકાર આપવામાં આવ્યો નથી, જ્યારે ભારતમાં બંધારણના અમલ સાથે સ્ત્રી-પુરૂષ સૌને કોઈ વિશેષ પ્રાવધાન વિના એકસાથે સમાન મતાધિકાર અપાયો છે એ આપણી લોકશાહીની સુંદરતા છે એમ જણાવી તેમણે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ આપી હતી.
મતદાનનું પ્રમાણ વધારવા યુવા મતદારો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે એમ જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પ્રત્યેક નાગરિકનો મત રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. યુવાનો સ્વસ્થ અને સક્ષમ લોકશાહીના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આજના દિવસે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયામાં સફળતાપૂર્વક ભાગ લઈ આપણી લોકશાહીને વધુ મજબૂત કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ એવો અનુરોધ કર્યો હતો. તેમણે લોકશાહીમાં બંધારણે આપેલા અધિકારનો પ્રત્યેક નાગરિકો યોગ્ય દિશામાં ઉપયોગ કરી રાષ્ટ્રીય ગૌરવ વધારવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, નવા મતદારો પોતાની સૂઝબુઝ, ઈમાનદારીથી મતદાન કરીને દેશનું ભવિષ્ય વધુ ઉજ્જવળ અને મજબૂત કરી શકે છે. બંધારણે સૌને મતદાનનો અમૂલ્ય હક્ક આપ્યો છે, ત્યારે દરેક મતદારો પોતાની જવાબદારી સમજી આવનારી તમામ ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરે એવી અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500