તાજેતરમાં તાપી જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષ સ્થાને આઇસીડીએસ શાખાની વિવિધ યોજનાની માસિક રિવ્યુ મિટીંગ યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આઇસીડીએસ શાખાની કાર્યરત યોજનાઓ- જેવી કે પોષણ સુધા, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પા પા પગલી યોજના અંગે સેજા પ્રમાણે આંગણવાડી કેંદ્ર મુજબ રીવ્યુ કરવામાં આવ્યુ હતું. વધુમાં તાપી જિલ્લામાં કુપોષણ ઘટાડવા માટે લાભર્થીની વારંવાર ગૃહમુલાકત કરવા અંગે તેમજ કુપોષિત બાળકોને નિયમિત બાળશક્તિમાંથી રાબ બનાવી ખવડવવા, યોજનાથી વંચિત લાભર્થીની ગૃહમુલાકાત લઇ તેઓના વાલીને યોજના વિશે પૂરતી સમજ આપી યોજનાનો લાભ લેવા તૈયાર થાય તે સુનિશ્ચિત કરવા સુચન કર્યું હતું.
કિશોરીઓનો શાળા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા, આંગણવાડી કેંદ્રોમા પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા એકિટીવીટી કોર્નર બનાવવા જેવી વિવિધ બાબતો અંગે કાર્યકર બહેનોને ડી.ડી.ઓશ્રી દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યુ હતું. તદુપરાંત આગામી ૧૦૦ દિવસમાં કરવાની થતી કામગીરી અંગે ફાળવેલ લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે સુચારૂ આયોજન કરવા અને લક્ષ્યાંક હાસંલ કરવા સક્રિય બની કામગીરી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં શાખાના વડા પ્રોગ્રામ ઓફિસર અને તમામ ઘટકના સીડીપીઓ તેમજ મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500