ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના નેતૃત્વમાં ભરૂચ વહીવટીતંત્ર અને સીએસઆર પહેલ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અને ખેતીની અન્ય નવીન પધ્ધતિઓથી જિલ્લાના ખેડૂતને માહિતગાર કરી ગાય આધારિત ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય તેવા ઉદેશ્ય સાથે આજ રોજ ઝગડીયા તાલુકાના ભાલોદ ખાતે તાલુકા કક્ષાની પ્રાકૃતિક ખેતી શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ઝગડીયા તાલુકાના ભાલોદ ખાતે યોજાયેલી ખેડૂત શિબિરમાં વિસ્તરણ અધિકારી વિનોદભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં પ્રગતિશીલ ગુજરાત સરકારશ્રીના કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, ખેડૂતોને ટ્રેક્ટર, ખેતી માટે ઉપયોગી સાધન સામગ્રીની ખરીદીમાં સબસિડી સહાય, સહિતની યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વધુમાં પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો જણાવીને ખેડૂતોને પ્રગતિશીલ ખેતી અંગે પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચ જિલ્લાના ખેતીવાડી અધિકારી પિષુષ માંડણીયાએ પ્રાકૃતિક શિબિરને સંબોધન કરતાં જણાવ્યુ હતુ કે, આ પ્રાકૃતિક ખેતી મેગા શિબિરમાં જગતનાં તાત એવાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ઉંડાણથી માહિતી આપી, ગાય આધારિત કૃષિ થકી જિવામૃત, ધનામૃત, વગેરે બનાવવાની વિવિધ રીતો અંગે રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં પ્રાકૃતિક ખેતી કરવાની વિવિધ પધ્ધતિઓ વિશે જણાવી દેશી ગાય આધારિત ખાતર નિર્માણ અને તેના ઉપયોગ અને ઉપરાંત સુભાષ પાલેકર ગાય આધારીત પ્રાકૃત્તિક ખેતી વિશે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી.
વધુમાં, ઝગડીયા તાલુકાના હીરપરા ગામના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા નંદલાલ બચુભાઈના ખેતરની મુલાકાત કરી ખેડૂતને પ્રાકૃતિક ખેતી અંગે વધુ માહિતી આપી ખેડૂતના પ્રશ્રોનું સ્થળ પર જ નિરાકરણ લાવ્યા હતા. તાલુકા કક્ષાની પ્રાકૃતિક ખેતી શિબિર અને પ્રદર્શન કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન, તાલુકાના અન્ય સદસ્યઓ, સરપંચ, ઝગડીયા તાલુકાના વિસ્તરણ અધિકારી, પ્રાકૃતિક ખેતી વિશે તાલિમી, કૃષિ વિભાગના ગ્રામસેવકો, તલાટી ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500