ચોમાસુ-૨૦૨૩ની પૂર્વ તૈયારીની ભાગરૂપે આજરોજ તાપી જિલ્લા કલેકટર ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટર ગર્ગે સંબંધિત વિભાગને સુચનો કરતા તાલુકાવાર પ્રિ-મોન્સુન પ્લાન બનાવી બને તેટલી વહેલી તકે જિલ્લાને સુપ્રત કરવા, બચાવ કામગીરીની સાધન સામગ્રીને ચકાસણી કરી કાર્યરત હાલતમાં હોય તેની તકેદારી રાખવા, વરસાદ માપણીના સાધનો, ઉકાઇ ડેમ, ડોસવાડા ડેમના કંટ્રોલરૂમ માટે ટીમ ફાળવણી અંગે, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવા, સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેના માટે યોગ્ય જગ્યાની ફાળવણી કરવા, ગામવાર તરવૈયાઓ અને બચાવ ટુકડીને તાલીમ આપવા, અને જિલ્લામાં વિવિધ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરાવવા સુચનો કર્યા હતા.
કલેક્ટરએ વિવિધ વિભાગોની કામગીરી જેમાં ઝાડનું ટ્રીમીંગ, વિજળીનાં થાંભલા, તાર, જર્જરીત મકાનો, હોર્ડીંગને તાત્કાલીક દુર કરી નદી, નાળા, ખુલ્લી ગટરોને કચરા રહીત કરવા સંલગ્ન અધિકારીઓને સુચનો કર્યા હતા. આ સાથે ગત વર્ષે બનેલી ઘટનાઓને ધ્યાને લેતા નિચાણવાળા કોઝવે ખાતે બેરીગેટ અને નોટીસ બોર્ડ લગાવવા, તથા જરૂરી લોકોના અપડેટેડ નામ-નંબરોની યાદી હાથ વગા રાખવા, મેડિકલ ટીમ બનાવવા તથા ખેતી-પશુપાલન વિભાગને જરૂરી તકેદારી રાખવા સુચનો કર્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર આર.જે.વલવીએ કર્યુ હતું. આ પ્રસંગે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500