આગામી તા.08/01/2023ના રોજ તાપી જિલ્લામાં 26 કેન્દ્રોના 270 બ્લોક ખાતે જીપીએસસી દ્વારા લેવાનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1/2 તથા નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 (જા.ક્ર.20/2022/23)ની પરીક્ષાના આયોજન સંદર્ભે કલેક્ટર ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં ગતરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોગના પ્રતિનીધીઓ, ઝોનલ અધિકારી, તકેદારી સુપરવાઈઝરો સહિત સંલગ્ન અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેક્ટરએ પરીક્ષાના સુચારૂ આયોજન માટે પરીક્ષા સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કરતા જણાવ્યું હતું કે, આવી પરીક્ષાઓ ઉમેદવારોના કારકિર્દી નિર્માણ માટે ખુબ જ અગત્યની હોઇ કોઇ પણ ક્ષતિ વગર અને સુચારૂ રીતે પરીક્ષા સંપન્ન કરવી આપણી સૌની જવાબદારી છે. આ સાથે તેમણે એસટી બસો સમયસર ચાલે, પરીક્ષા દરમિયાન વિજપુરવઠો ન ખોરવાઇ તથા કાયદો વ્યવવ્થાનું ચુસ્તપણે પાલન થાય તેની ખાસ તકેદારી રાખવા સુચનો કર્યા હતા. આ સિવાય પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, સેનટાઈઝર, આરોગ્યની ટીમ, પીવાનું પાણી અને મોબાઇલ, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન લાવવા અંગે જાહેરનામા સહિતની આનુસંગિક બાબતો અંગે સબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આગામી તા.08-જાન્યુઆરી-2023ના રોજ જીપીએસસી દ્વારા લેવાનાર આ સ્પર્ધાત્મક પરીક્ષા તાપી જિલ્લામાં 26 કેન્દ્રો ખાતે લેવામાં આવનાર છે. જેમાં 6457 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાખંડમાં મોબાઈલ, કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ કે અન્ય કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખી શકાશે નહી. કોઈ પણ પ્રકારની ગેરરિતી અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ રાખવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500