ભારત જેવા મહાન રાષ્ટ્રની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ ગૌરવપૂર્ણ પ્રસંગની ભવ્ય ઉજવણીનાં ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાન યોજાનાર છે. આ અભિયાનનાં સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે “હર ઘર તિરંગા” અભિયાન રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરવાનો, નવી પેઢીમાં દેશપ્રેમનાં ગુણો મજબૂત કરવાનો તેમજ દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવાની અમૂલ્ય તક છે. આવા મહાન અવસરને અનુરૂપ જિલ્લામાં ઉજવણી થાય અને જિલ્લાવાસીઓ ઉત્સાહભેર આ ઉજવણીનાં સહભાગી થાય તે દિશામાં કામગીરી કરવા તેમણે અધિકારીઓને સૂચના આપી હતી.
નોંધનીય છે કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક ઘર, સરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો, સ્કુલ-કોલેજો, પોલીસ સ્ટેશનો, સસ્તા ભાવની અનાજની દુકાનો, પેટ્રોલપંપ, હોટલો, દુકાનો દૂધ મંડળીઓ, ખાનગી સંસ્થાઓ, એ.પી.એમ.સી., સહકારી મંડળીઓ સહિતનાં સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમ વ્યક્ત કરવામાં આવશે. ઝંડાના વેચાણ માટે ગુજરાત રાજ્યની ખાદી કામગીરી સાથે સંકળાયેલ સંસ્થાઓ દ્વારા ઝંડા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જિલ્લાના વિવિધ કેન્દ્રો પર વેચાણ માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી વધુને વધુ ઝંડાનુ વેચાણ થાય તે માટે તંત્ર દ્વારા પૂરતો સાથ સહકાર આપવા ઉપરાંત ફ્લેગ કોડનું પાલન થાય તે રીતે ઝંડા ફરકાવવામાં આવે તે રીતે નાગરિકોને જાગૃત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500