Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક મળી

  • October 02, 2023 

ધરમપુર-વલસાડ રોડની તાકીદે મરામત કરાશે વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની માસિક બેઠક તા.૩૦ સપ્ટેમ્બરના રોજ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં વિવિધ પ્રશ્નોની હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. જેનો સત્વરે ઉકેલ લાવવા માટે જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. કપરાડા તાલુકાના બોર્ડર વિલેજમાં આવતા સુથારપાડા ગામમાં એટીએમ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગે ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીના ગત બેઠકના પડતર પ્રશ્ન અંગે ચર્ચા થઈ હતી જેમાં લીડ બેંકના મેનેજરે જણાવ્યું કે, આ બાબતે ઉચ્ચ અધિકારીએ એટીએમ વેન્ડર પાસે સાઈટ ફિઝિબિલિટી રિપોર્ટ માંગ્યો હતો, જેમાં આ જગ્યા નાણાકીય વ્યવહારની સુરક્ષાની દ્રષ્ટીએ યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં ઉચ્ચ અધિકારીઓને ફરી એક વાર આ મુદ્દે રજૂઆત કરી છે.



વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે દિવાળી નજીક હોવાથી બિન સરકારી અનુદાનિત શાળાઓના નિવૃત્ત કર્મચારીઓને ચુકવવાનો બાકી ચોથો હપ્તો વહેલીતકે ચૂકવવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી જે સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, નિવૃત્ત કર્મચારીઓના શાળા તરફથી રજૂ કરવામાં આવેલા બિલો જિલ્લા તિજોરી કચેરીમાં ચૂકવણા માટે રજૂ કરી દેવામાં આવ્યા છે. વલસાડ સિવિલ હોસ્પિટલ થઈ સેગવી, મગોદ, ભગોદ જતો કોસ્ટલ હાઈવે પર મગોદથી ભગોદ સુધીનો રસ્તો એકદમ ખરાબ હોવાથી મરામત માટે ધારાસભ્યશ્રીએ રજૂઆત કરતા આર એન્ડ બી (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરે રોડ પર પડેલા ખાડામાં મેટલ પેચની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યુ હતું. તિથલ રોડ પર જિલ્લા પંચાયત કોલોની કે જ્યાં હાલમાં જિલ્લા કક્ષાની લાઈબ્રેરી બની છે તેની સામે જિલ્લા પંચાયતના ખંડેર મકાન તુટી પડવાથી અકસ્માતનો ભય રહેતો હોવાનું ધારાસભ્ય ભરતભાઈએ જણાવતા આર એન્ડ બી (પંચાયત)ના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, આ કવાર્ટસ ભયજનક હાલતમાં હોવાથી કોર્ડન કરી નોટીસ લગાવી મકાન તોડવાની કાર્યવાહી ચાલુ છે.



વલસાડ તાલુકાના દાંડી ગામની પ્રાથમિક શાળાના ૭ ઓરડા મંજૂર થયા બાદ તેનું કામ બંધ હોવાનું ધારાસભ્યશ્રીએ રજૂઆત કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફેબ્રુઆરી-૨૦૨૪ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું. ડુંગરી રેલવે ઓવરબ્રિજની અને બાયપાસ રોડની મંથરગતિએ ચાલતી કામગીરી બાબતે ધારાસભ્ય ભરતભાઈએ પ્રશ્ન રજૂ કરતા આર એન્ડ બી (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરે બ્રિજ અને સર્વિસ રોડ બંનેની કામગીરી ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. વલસાડ તાલુકાની ગ્રામ પંચાયતોને નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટેમ્પો અને ટ્રેકટર ફાળવવામાં આવ્યા છે પરંતુ ડ્રાઈવરનો પગાર કેવી રીતે ચૂકવાશે એવો પ્રશ્ન ધારાસભ્ય ભરતભાઈએ કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત)એ નાણા પંચની ગ્રાન્ટમાંથી ડ્રાઈવરનો ખર્ચ કરી શકાય તેમ જણાવ્યું હતું. વાઘલધરા પાણી પુરવઠા જુથ યોજના (દમણગંગા આધારિત) કામ ક્યારે પૂર્ણ થશે એવો પ્રશ્ન ધારાસભ્યશ્રીએ કરતા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરે માર્ચ ૨૦૨૪ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.



ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જીઆઈડીસીની કંપનીઓમાં અન્ય રાજ્યોના કામદારોને સ્થાને સ્થાનિકોને રોજગારી આપવા વીઆઈએ, એસઆઈએ અને યુઆઈએ સાથે બેઠક કરી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. ભીલાડ ને.હા.નં. ૪૮ ઉપર અંડરપાસ બ્રિજમાં લાઈટ તથા સાફ સફાઈની વ્યવસ્થા કરવા ધારાસભ્ય રમણલાલ પાટકરે અને ગત બેઠકમાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અલકાબેન શાહે પણ રજૂઆત કરી હતી. જે અંગે એન.એચ.એ.આઈ ભરૂચના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, બ્રિજની સફાઈ કરી લાઈટ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્યશ્રી પાટકરે રૂ.૨ કરોડ ૪૭ લાખના ખર્ચે બનેલો નગવાસ- અંકલાસ રોડ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે પસાર થતા હેવી વાહનોને કારણે બિસ્માર બન્યો હોવાથી મરામત કરવા અને ઉમરગામના કોસ્ટલ હાઈવે પર રખડતા ઢોર બેસતા હોવાથી અકસ્માતના બનાવો અટકાવવા સરીગામની સંસ્થાને ૧૦ એકર જમીન ફાળવવા માટે રજૂઆત કરી હતી. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ધરમપુર-વલસાડ રોડ અત્યંત જર્જિરત હોવાની રજૂઆત કરી હતી.



આર એન્ડ બી (સ્ટેટ)ના અધિકારીએ કામગીરી સત્વરે પૂર્ણ કરવા ખાતરી આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈએ વલસાડ જિલ્લામાં સબ જલ બનાવવા માટે રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના માજી અધ્યક્ષ ધવલભાઈ પટેલે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગામતળના દાખલા માંગવા બાબતનો પ્રશ્ન ગત બેઠકમાં રજૂ કર્યો હતો, જે સંદર્ભે ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું કે, ગામતળના દાખલા સામાન્યપણે માંગવામાં આવતા નથી પરંતુ જે કનેકશન આપવાનું હોય તે જમીન ખેતીવાડીની છે કે ગામતળની છે તેના સ્પષ્ટીકરણ માટે જરૂરી હોય છે. જો કે હવે આ પ્રોસેસ ઓનલાઈન થઈ ગઈ છે. ભાગ-૨ માં નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટરે તાકીદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application