ભરૂચમાં પોલીસ કવાટર્સમાં જ હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં દાંડીયા બજાર ચોકી પર હેડ કોન્સ્ટેબલ અશોક કાનાભાઈ બડિયાવદરા ફરજ બજાવતા હતા. તેઓ પત્ની અને બે સંતાનો સાથે સોનેરી મહેલ પોલીસ લાઈનમાં આવેલા તેમના ક્વાર્ટરમાં રહેતા હતાં. સોમવારે તેઓ પોતાના ક્વાર્ટરમાં આરામ કરતા હોય અને તેમની પત્ની બે બાળકીઓને લઈને કોઈ કામ અર્થે બજારમાં ગયા હતાં.
આ સમયે અશોકભાઈએ રસોડામાં પંખાના હુકમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેમના પત્ની પોતાનું કામ પતાવી પરત ઘરે આવતા રૂમનો દરવાજો ખુલ્લો જોઈ રસોડામાં જોતા જ બુમાબુમ કરતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ એ ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા PI વી.યુ.ગડરિયા અને પીએસઆઇ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતક અશોકભાઈને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો.
હેડ કોન્સ્ટેબલની આત્મહત્યાનું કારણ હજી બહાર આવ્યું નથી. જોકે તેઓએ રવિવારે રથયાત્રાના બંદોબસ્તમાં પણ ફરજ બજાવી હતી. હાલ પ્રાથમિક મળતી વિગતોમાં હેડ કોન્સ્ટેબલ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા. અને તેઓની ડિપ્રેશનની દવાઓ ચાલતી હોવાની વિગતો પણ બહાર આવી છે. બીજી તરફ પત્ની સાથે કોઈક વાતને લઈ બોલાચાલી થઈ હોય અને તેમાં તેમને લાગી આવતા આ પગલું ભર્યું હોવાનો મુદ્દો ચર્ચાઈ રહ્યું છે. જોકે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ તો તપાસ બાદ જ બહાર આવી શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500