પી.એમ.ઓ. (વડાપ્રધાન કાર્યાલય)માં કામ કરતો હોવાનું જણાવી લોકો પર રોફ મારનાર એક નકલી આઇ.એ.એસ. અધિકારીની પુણે પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી. આ ભેજાબાજ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા પોતાની ઓળખ આઇ.એ.એસ. અધિકારી તરીકે આપતો હતો. આ સંદર્ભે પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચ (યુનિટ-વન)નાં ઇન્સ્પેક્ટર શબ્બીર સૈયદે જણાવ્યું હતું કે, આરોપી વાસુદેવ તાયડે એક ચેરિટેબલ સંસ્થાના કાર્યક્રમમાં આમંત્રણ ન હોવા છતા એક આમંત્રિત વ્યક્તિ સાથે પહોંચી ગયો હતો.
અહીં તાયડેએ તેની ઓળખ પી.એમ.ઓ. ઓફિસમાં કાર્યરત આઇ.એ.એસ. અધિકારી ડો.વિનય દેવ તરીકે આપી હતી. બોર્ડરલેસ વર્લ્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાએ 29મેના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં જમ્મુ-કાશ્મીર માટે એક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર અમુક લોકોને તેના પર શંકા ગઇ અને તેની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ પ્રકરણે ઝડપથી તપાસ કરી તાયડેને તળેગાવથી પકડી પાડયો હતો.
તાયડે મૂળ જલગાંવ જિલ્લાના યાવલનો વતની હોઇ છેલ્લા ઘણા સમયથી તળેગાવમાં રહે છે તે આઇ.એ.એસ. અથવા આઇ.પી.એસ. અધિકારી બનવા માગતો હતો પણ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી શક્યો નહોતો. ત્યારથી લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને રોફ જમાવવા તે પોતાને આઇ.એ.એસ. અધિકારી તરીકે ઓળખાવતો હતો. પુણે પોલીસે તાયડે સામે છેતરપિંડી અને બનાવટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500