ઉત્તરાખંડમાં મંદિરોમાં પ્રવેશ માટે હવે ડ્રેસ કોડ લાગુ કરાયો છે. જયારે શરીરને 80 ટકા સુધી વસ્ત્રોથી ઢાંક્યા વિના મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઉત્તરાખંડનાં પ્રખ્યાત શિવ મંદિરોમાં કડકાઈથી ડ્રેસ કોડ લાગુ કરવા માટે મહાનિર્વાણી અખાડાએ આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી યુવક-યુવતીઓ પાશ્ચાત્ય પહેરવેશના આકર્ષણમાં ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં પહોંચતા હતા. આવા સમયે યુવક-યુવતીઓને મંદિરમાં જતા રોકવામાં આવતા વિવાદ સર્જાતો હતો.
પરિણામે મંદિરોમાં ભગવાનનાં દર્શન માટે ડ્રેસ કોડ લાગુ કરવાની ભલામણ સમાજનાં ચોક્કસ વર્ગમાંથી કરવામાં આવતી હતી. હવે મહાનિર્વાણી અખાડાએ શિવ મંદિરોમાં કડકાઈથી ડ્રેસ કોડ લાગુ કરવા આદેશ આપી દીધો છે. મહાનિર્વાણી અખાડાના ત્રણ મોટા મંદિરોમાં ટૂંકા કપડાં પહેરીને જતા યુવક-યુવતીઓ પ્રવેશ નહીં કરી શકે. એ જ રીતે હરીદ્વારના પ્રખ્યાત દક્ષ મંદિર, ઋષિકેશના નીલકંઠ અને દેહરાદૂનના ટપકેશ્વર મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગુ કરાયો છે. આ ત્રણેય શિવમંદિરો છે.
અખાડાના શ્રીમહંત અને અખાડા પરિષદનાં અધ્યક્ષ શ્રીમહંત રવિન્દ્ર પૂરીએ જણાવ્યું કે, જેમનું શરીર 80 ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તીર્થ યાત્રીઓને પણ મંદિરોમાં પ્રવેશ કરવા માટે કડકાઈથી ડ્રેસ કોડ લાગુ કરવા જણાવાશે.
મહાનિર્વાણી અખાડા સાથે સંકળાયેલા આ મંદિરોમાં આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી લાગુ કરાઈ રહી છે. શ્રીમહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે, દક્ષિણના અનેક મંદિરોમાં યુવતીઓ માટે ડ્રેસ કોડ લાગુ કરાયો છે. ચાર દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના મંદિરોમાં પણ આ નિયમ બનાવાયો છે. મંદિરમાં આવતી વખતે યુવક-યુવતીઓએ તેમના વસ્ત્રોનું ધ્યાન રાખવું પડશે. કોઈપણ યુવક-યુવતીઓ ટૂંકા કપડામાં મંદિર આવશે તો તેમને પ્રવેશ કરતાં રોકવામાં આવશે તેમ શ્રીમહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500