ગાંધીનગર શહેર નજીક રાયસણના જી.આઇ.ડી.એમ. ખાતે નોકરી કરતા વલાદ ગામના યુવાન ઉપર ગામના જ મહિલા સહિત ચાર વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, વલાદ ગામમાં રહેતા અને રાયસણ ખાતે જી.આઇ.ડી.એમ.માં હાઉસ કીપિંગનું કામ કરતા યુવાન પરેશ દિનેશભાઈ રાવળે ફરિયાદ નોંધાવી હતી કે, ગત શુક્રવારની રાત્રિના સમયે તે જીઆઇડીએમ રાયસણ ખાતે ગેટ ઉપર સહી કરતો હતો.
તે દરમિયાન તેમના ગામના સાગર દશરથભાઈ રાવળ, જીગ્નેશ દશરથભાઈ રાવળ, શારદાબેન દશરથભાઈ રાવળ અને તેમના જમાઈ પીંડારડા ખાતે રહેતા વિજયભાઈ રાવળ આવ્યા હતા અને આ આ સમયે જીગ્નેશે કહ્યું હતું કે, તું મારી પત્ની સામે કેમ બોલે છે. તેમ કહી ચારે જણા તેની ઉપર ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન ગાળો બોલવાની ના પાડતા સાગર વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે હુમલો કરી દીધો હતો ત્યારબાદ અન્ય ત્રણ વ્યક્તિઓ દ્વારા પણ ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો. બૂમાબૂમ થતા અન્ય કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને પરેશને વધુ મારમાંથી છોડાવ્યો હતો આ દરમિયાન જતા જતા શખ્સો કહેવા લાગ્યા હતા કે, હવે નજર કરીશ તો તારા જીવથી હાથ ધોઈ બેસીસ. જેથી હાલ આ મામલે ઇન્ફોસિટી પોલીસે આ ચારેય વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500