કેરળનાં એક ગામમાં માનવ બલિનો મામલો સામે આવ્યો છે. એક કપલ દ્વારા પોતાના આર્થિક લાભ માટે એક મહિલાની પોતાના ઘરમાં જ બલિ ચડાવવામાં આવી હતી. મહિલાનાં શરીરનાં ટુકડા કરીને બાદમાં તેને જુદા-જુદા સ્થળે દફનાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની સમગ્ર કેરળમાં ભારે ચર્ચા જાગી છે. કેરળના મુખ્યમંત્રી વિજયને પણ આ ઘટનાની ટિકા કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રકારની હત્યાઓને સમાજમાં કોઇ જ સ્થાન ન હોવું જોઇએ. જે પણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં ભગવાલસિંઘ, તેની પત્ની અને મુહમ્મદ શાફીનો સમાવેશ થાય છે.
જોકે આ આરોપીઓએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી પણ લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે, 50 વર્ષીય પીડિત મહિલા કદાવંથારાની રહેવાસી છે. સપ્ટેમ્બર મહિનાથી આ મહિલા ગૂમ હતી. જેની શોધખોળમાં અંતે માનવ બલિનો મામલો સામે આવ્યો હતો. આ મહિલાને થિરુવલ્લાના ગામમાં આરોપીઓના ઘરમાં જ મારી નાખવામાં આવી હતી. જોકે આ કોઇ પ્રથમ કેસ નથી, અગાઉ આ જ ઘરમાં જૂન મહિનામાં પણ એક મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા પતિ અને પત્ની દ્વારા કરવામાં આવી હતી જ્યારે પીડિતોને તેના ઘરે ફોસલાવીને લાવવાનું કામ મુહમ્મદ શાફી નામનો વ્યક્તિ કરતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500