Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર સિંહોના અકસ્માતના બનાવોને લઈ વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાવરકુંડલા રેન્જની મુલાકાતે

  • June 12, 2024 

અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર સિંહોના અકસ્માતના બનાવોને લઈ હાઈકોર્ટે લીધેલા આકરા વલણના અનુસંધાને આજે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાવરકુંડલા રેન્જની મુલાકાતે આવ્યો હતો. આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રેલવે ટ્રેક ઉપર સિંહોના અકસ્માતની ઘટનાઓ અમરેલી જિલ્લાના બની રહી છે. થોડા મહિના પહેલા ગુજરાત હાઇકોર્ટે સિંહોના મોત અંગે અધિકારીઓને ખખડાવ્યા હતા અને અધિકારીઓને એ.સી. ઓફીસમાંથી બહાર નીકળવા માટેની પણ ટકોર કરવામાં આવી હતી.


દરમિયાનમાં ગાંધીનગર વાઈલ્ડ લાઈફ સર્કલના પીસીસીએફ નિત્યાનંદ શ્રીવાસ્તવ, જૂનાગઢ સીસીએફ આરાધના સાહુ, ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા, શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલ સહિત અધિકારીઓનો કાફલો સાવરકુંડલા રેન્જમાં આવી પહોંચ્યો હતો અને કેટલાક સેન્સીટીવ રેલવે ટ્રેક ઉપર વિઝિટ કરી હતી અને બનાવો કેવી રીતે બને છે? તે સંદર્ભે સ્થાનિક વનવિભાગના અધિકારીઓ, ટ્રેકર્સ, ફોરેસ્ટર, ફોરેસ્ટ ઓફિસરની કામગીરીને લઈ સમીક્ષા કરી હતી.


આ ઉપરાંત રેલવે વિભાગ અને વનવિભાગના સંકલનનો વચ્ચે અભાવ જોવા મળ્યો હોવા સહિતની બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સમગ્ર મામલે જૂનાગઢ સીસીએફ આરાધના સાહુએ જણાવ્યું હતું કે, માત્ર આ ફિલ્ડ વિઝિટ રેગ્યુલર હોય છે. એ રીતે આ વિઝિટ હતી આવું કહી અન્ય મુદા ઉપર વાત કરવાનું ટાળ્યું હતું. રેલવે ટ્રેક ઉપર સિંહોના અકસ્માત અટકાવવા રાજુલા પીપાવાવ પોર્ટ સુધી રેલવે ટ્રેક ઉપર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ફેન્સિંગ કરવા છતાં અનેક સિંહોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે સાવરકુંડલા રેન્જમાં ફેંસીંગ નથી તો હવે શું કરવું? નવો ક્યો પ્રોજેક્ટ લાવવો તે સહિતની બાબતે વનવિભાગ દોડધામ કરી રહ્યું છે.


પરંતુ બીજી તરફ સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓની સંસ્થાને પણ અધિકારીઓ દૂર રાખી રહ્યા છે. અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ કહ્યું આજે ગાંધીનગર અને ડીવીઝનના અધિકારીઓ સાવરકુંડલા વિસ્તારમાં આંટામારી નીકળી ગયા ખરેખર તો પીપાવાવ પોર્ટ રાજુલા વિસ્તારમાં સિંહોના સૌથી ટ્રેક ઉપર વધુ મોત થયા છે અને હજુ ટ્રેક ઉપર આવી જ જાય છે, ફેંસીંગ છે પણ તૂટેલી છે, અધિકારીઓએ અહીં વિજિટ કરવી જોઈએ સ્થાનિક જાણકાર લોકોના પણ અભિપ્રાય લેવા જોઈએ તો જ આપણે સિંહોને બચાવી શકીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application