વડોદરા શહેરનાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સામે કલમ 110 અને 117 પ્રમાણે ગુનો દાખલ થયો હતો જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલએ પેપર અને ટીવી ચેનલમાં તારું નામ ચગાવી બદનામ કરી દઈશ તેવી ધમકી આપી રૂપિયા 80,000/-ની લાંચ માગી હતી, જેમાં હેડ કોન્સ્ટેબલના બે વચેટિયાએ રૂપિયા 80 હજાર લેતા એન્ટીકરપ્શન વિભાગે ઝડપી પાડયા છે જ્યારે હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા હતા.
જેને વહેલી સવારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા એક વ્યક્તિ સામે કલમ 110 અને 117 પ્રમાણે ગુનો દાખલ કર્યો હતો જેમાં આરોપીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કલ્પેશ નંદકિશોર સોનવણેએ રૂપિયા 80 હજારની લાંચ નહીં આપે તો તને મીડિયામાં બદનામ કરી દઈશું તેવી ધમકી આપી હતી જે બાદ જેની સામે ગુનો દાખલ થયો હતો તે વ્યક્તિએ એન્ટી કરપ્શન વિભાગનો સંપર્ક સાધ્યો હતો.
ત્યારબાદ એન્ટીકરપ્શનનાં અધિકારી પરેશ ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એ.એન.પ્રજાપતિ તથા સ્ટાફે સમગ્ર વિગત મેળવી હેડ કોન્સ્ટેબલ સાથે સંકળાયેલા દંતેશ્વરના સંજય લક્ષ્મણ ભરવાડ અને ડભોઇ રોડના પ્રિન્સ રાજકુમાર શર્મા ને રૂપિયા 80 હજાર આપવા માટે જણાવ્યું હતું આ પોલીસ હેડ કોન્સ્ટેબલના બંને વચેટીયાએ સાંજે 07:30 કલાકે મકરપુરા પોલીસ સ્ટેશનની નજીક આવેલા સિલ્વર ઓક કોમ્પ્લેક્સના પાર્કિંગ સામે જેની સામે મકરપુરા પોલીસમાં ગુનો દાખલ થયો હતો તે વ્યક્તિને બોલાવ્યા હતા અને રૂપિયા 80,000/-ની લાંચ લીધી હતી.
એટલું જ નહીં લાંચ લીધા બાદ મકરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ સોનવણેને ફોન પર જાણ કરી હતી કે પૈસા આવી ગયા છે તેની સામે કોન્સ્ટેબલે જવાબ પણ આપ્યો હતો કે તે પૈસા હમણાં તમારી પાસે રાખજો. રૂપિયા 80,000/-ની પોલીસ હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા સંજય લક્ષ્મણ ભરવાડ અને પ્રિન્સ રાજકુમાર શર્મા ઝડપાઈ ગયાની જાણ થતા જ હેડ કોન્સ્ટેબલ કલ્પેશ સોનાવણે ફરાર થઈ ગયો હતો. મકરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડવા ગઈ મોડી રાત સુધી એન્ટી કરપ્શન વિભાગે ઠેર ઠેર દરોડા પાડ્યા હતા જેમાં આજે વહેલી સવારે તેની ધરપકડ થઈ હોવાનું જાણવા મળે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500