બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા દીપક તિજોરીએ ઘણી ફિલ્મોનું નિર્માણ કરનારા નિર્માતા વિક્રમ ખાખર વિરુદ્ધ મુંબઈ પોલીસમાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, મુંબઈનાં અંબોલી પોલીસ સ્ટેશનમાં દીપક તિજોરીએ નિર્માતા વિરુદ્ધ કેસ નોંધાવતી વખતે તેમના પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તિજોરીની ફરિયાદ પર, અંબોલી પોલીસે વિક્રમ ખાખર વિરુદ્ધ IPC 420 અને 406 હેઠળ કેસ નોંધ્યો છે. અભિનેતાએ જણાવ્યું કે, તે 2019માં વિક્રમ ખાખરને મળ્યો હતો. તેણે ખાખરને ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે ખાખરે તેમને મદદની ખાતરી આપી હતી. અભિનેતાએ કહ્યું કે, તે ફિલ્મનું શૂટિંગ ભારતમાં નહીં પરંતુ લંડનમાં કરવા માંગે છે.
જેમાં ખાખરે કહ્યું કે, તે આમાં એક્ટરની મદદ કરી શકે છે. અભિનેતાએ ફિલ્મના શૂટિંગના ખર્ચ માટે 3 માર્ચ 2020ના રોજ ખાખરને 1 કરોડ 74 લાખ રૂપિયા પણ આપ્યા હતા. આ દરમિયાન જ્યારે કોરોનાએ દસ્તક આપી, ત્યારે ખાખરે અભિનેતાને કહ્યું કે, કોરોનાને કારણે બધું બંધ છે. આ કારણે ફિલ્મનું શૂટિંગ અત્યારે શક્ય નથી. જે બાદ જ્યારે કોરોનાનો કહેર બંધ થયો ત્યારે પણ ખાખરે અભિનેતાને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહી. ખાખરે ફિલ્મના શૂટિંગને લઈને વિલંબ કરવાનું ચાલુ રાખ્યું. અભિનેતાએ ખાખરને ઘણી વખત ફોન કર્યો હતો અને કેટલીકવાર તેને આ સંદર્ભે મેસેજ કર્યો હતો, પરંતુ તેની તરફથી કોઈ સંતોષકારક જવાબ આવ્યો નહોતો. આ પછી ખાખર પર અભિનેતાની શંકા વધુ ઘેરી બનતી ગઇ.
અભિનેતાએ છેલ્લે 14 માર્ચ, 2024ના રોજ એક મેસેજ કરીને પોતાના પૈસા માંગ્યા હતા, ત્યારે પણ તેણે કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. આ દરમિયાન તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ખાખર સામે ગુનો દાખલ કર્યો હતો. અભિનેતાએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, તે માર્ચ 2020થી 2024 સુધી ફિલ્મના શુટિંગ અંગે ખાખરને પ્રશ્નો પૂછતો રહ્યો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. આ પછી, જ્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તેણે પોલીસમાં કેસ કરવાનું નક્કી કર્યું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપક તિજોરીએ જો જીતા વોહી સિકંદર, કભી હાં કભી ના, ખેલાડી, અંજામ, સડક, આશિકી, ગુલામ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જ્યારે વિક્રમ ખાખરે વન બાય ટુ, વિરસા, દોબારા જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500