અમદાવાદના સોલા વિસ્તારમાં બર્ડફ્લૂનો પ્રથમ પોઝિટિવ કેસ મળી આવ્યો છે જેને પગલે સાવચેતીના ભાગરૃપે આ વિસ્તારની 10 કિલોમીટર વિસ્તારમાં ખાસ કાળજી લેવા માટે સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર તથા કલોલ તાલુકાના 16 જેટલા ગામો આવે છે ત્યારે આ ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ગામોમાં મરઘા ઉછેર કેન્દ્રમાં તપાસ કરવા તથા ત્યાં કામ કરતા વ્યક્તિઓની તપાસ કરવા માટે સુચના આપવામાં આવી છે.
અમદાવાદના સોલામાં બર્ડફલુનો પોઝિટિવ કેસ મળી આવ્યો છે. જેના પગલે અમદાવાદ કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 10 કિલોમીટરની ત્રિજ્યામાં બર્ડફલુ અંગની ગાઇડલાઇન મુજબ કામગીરી કરવા માટે આદેશ કરાયાં છે. 10 કિલોમીટરની ત્રિજ્યામાં ગાંધીનગર જિલ્લાના કલોલ અને ગાંધીનગર તાલુકાના ઘણા ગામોનો સમાવેશ થાય છે. તેથી આ ગામોમાં પણ સાવચેતીના પગલાં ભરાય અને બર્ડફલુની ગાઇડલાઇનનો અમલ થાય તે માટે ગાંધીનગર જિલ્લાના મદદનીશ પશુપાલન નિયામકે સુચના આપી છે. આ વિસ્તારમાં કોબા, જાસપુર અને વડસર પશુ દવાખાના આવે છે તેથી આ દવાખાનાના પશુચિકિત્સા અધિકારીઓને ટીમ બનાવીને પોલ્ટ્રીફાર્મની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.
પોલ્ટ્રીફાર્મ અને બેકયાર્ડની મુલાકાત લઇને રોગચાળો, પક્ષી મરણ સહિતની અન્ય બાબતોનું સર્વેક્ષણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ સાથે મરઘા ફાર્મના માલિકોને બર્ડફલુ અંગે જાગૃત કરવામાં પણ આવશે. સોલાના 10 કિલોમીટરની ત્રિજ્યામાં ગાંધીનગર જિલ્લાના વડસર, સાંતેજ, જાસપુર, ખોરજ, રાંચરડા, નાંદોલી, પાલોડીયા, ઝુંડાલ, દંતાલી, ઉનાલી, ગરોડીયા, રણછોડપુરા, રતનપુર, સનાવાડ, ખાત્રજ અને ગોકુળપુરા ગામનો સમાવેશ થાય છે. આ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી સતત કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500