મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. ત્યાં બે વિદેશીઓ તેમના બોર્ડિંગ પાસની અદલા-બદલી કરવાના આરોપમાં પકડાયા છે. મુંબઈ પોલીસે એક શ્રીલંકન અને જર્મન નાગરિકની એરપોર્ટ પર કથિત રીતે લંડન અને કાઠમંડુ જવા માટે તેમના બોર્ડિંગ પાસ એકબીજા સાથે અદલા-બદલી કરવા બદલ ધરપકડ કરી છે. એક અધિકારીએ આજરોજ આ જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના સોમવારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી.
અધિકારીનાં જણાવ્યા પ્રમાણે નકલી પાસપોર્ટ પર મુસાફરી કરી રહેલા 22 વર્ષીય શ્રીલંકન નાગરિક અને 36 વર્ષીય જર્મન પેસેન્જરે લંડન અને કાઠમંડુ જવા માટે એરપોર્ટના ટોયલેટમાં બોર્ડિંગ પાસની અદલાબદલી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, એરલાઈનનાં કર્મચારીઓને જાણવા મળ્યું કે, શ્રીલંકન નાગરિકનાં પાસપોર્ટ પર ડિપાર્ચર સ્ટેમ્પ બનાવટી હોવાનું જણાયું ત્યારબાદ આ મામલાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ એ પણ જાણવા મળ્યું કે, શ્રીલંકન નાગરિકનાં પાસપોર્ટ પરના નંબર અને બોર્ડિંગ પાસ પર ડિપાર્ચર સ્ટેમ્પ અલગ-અલગ હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બ્રિટન પહોંચેલા શ્રીલંકન નાગરિકને જ્યારે ખબર પડી કે તેનું કૃત્ય પકડાઈ ગયું છે.
ત્યારે તેણે તેની વાસ્તવિક ઓળખ જાહેર કરી દીધી. મંગળવારે તેને મુંબઈ પરત મોકલી દેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન શ્રીલંકન નાગરિકે પોલીસને કહ્યું કે, તે કારકિર્દીની સારી તકો મેળવવા UK જવા માંગતો હતો. પોલીસે શ્રીલંકન યુવક સાથે બોર્ડિંગ પાસની અદલાબદલી કરીને કાઠમંડુ જતા જર્મન નાગરિકને પણ પકડી લીધો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે બંને વિદેશી નાગરિકોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેઓ 9 એપ્રિલના રોજ મુંબઈમાં એરપોર્ટ નજીક એક લક્ઝરી હોટલમાં રોકાયા હતા અને ત્યાં બોર્ડિંગ પાસની અદલાબદલી કરવાની યોજના બનાવી હતી. અધિકારીએ જણાવ્યું કે, સહર પોલીસે બે વિદેશી નાગરિકો સામે છેતરપિંડી, અને ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500