મધ્યપ્રદેશમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મંદિરની દીવાલ ધરાશાયી થતાં 9 બાળકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના રાજ્યના સાગર જિલ્લાના શાહપુરમાં બની છે. દુર્ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બાળકો માટીનું શિવલિંગ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક જ દીવાલ ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અહેવાલો અનુસાર, મંદિરની દીવાલ લગભગ 50 વર્ષ જૂની હતી. હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું હતું.
ત્યારે ચોથી ઓગસ્ટ શિવલિંગ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જ્યાં 8થી 14 વર્ષની વયના અનેક બાળકો પણ ત્યાં માટીના શિવલિંગ બનાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ મંદિર પરિસરની નજીક આવેલી દીવાલ ધરાશાયી થઈ હતી, જેમાં બાળકો દટાયા હતા. આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 બાળકોના મોત થયા છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ દુર્ઘટનાને પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે 'X' પર લખ્યું 'ઈજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે અને ઈજાગ્રસ્ત બાળકોના ઝડપથી સ્વસ્થ તેવી પ્રાથના કરૂં છું.
મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઘટના બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ હતી અને તુરંત જ દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેર કાઉન્સિલ, પોલીસ અને રહેવાસીઓ રાહત કાર્યમાં જોડાયા હતા. આ દિવાલ મંદિર સંકુલની બાજુમાં આવેલી હતી અને છેલ્લા પચાસ વર્ષથી જર્જરિત હાલતમાં હતી. તેના નવીકરણ અથવા દૂર કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં સાગરમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે કાચા અને જર્જરિત બાંધકામોને અસર થઈ હતી અને આ દીવાલ ધરાશાયી થવાનું જોખમ વધી ગયું હતું. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે ત્યાં કોઈ ડોક્ટર હાજર ન હતા તેમજ માત્ર એક કર્મચારી ફરજ પર હાજર હતો. જેને લઈને સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો. લોકોનો આરોપ છે કે ડોક્ટરો અવારનવાર આવે છે અને માત્ર સહી કરીને જતા રહે છે. ઈજાગ્રસ્ત બાળકોને ડ્રેસિંગ કરવા માટે હોસ્પિટલમાં કોઈ નહોતું જેના કારણે લોકોનો ગુસ્સે ભરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500