વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવાઃરાજ્યના અંતરિયાળ અને સરહદી જિલ્લામાં આગામી સમયમાં એક પણ માતા મૃત્યુ ન થાય તે માટે જિલ્લાના આરોગ્યકર્મીઓ અને સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓને સંકલ્પ લેવડાવતા, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ-વ-કમિશનર ડૉ. જયંતિ રવિએ,પરિવારમાં માતાનું સ્થાન ખૂબ જ મહત્વનું હોય છે,ત્યારે કોઇપણ પરિવાર માંથી આરોગ્ય સુશ્રૃષાના અભાવે માતા છીનવાય ન જાય તે જોવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે તેમ આહવા ખાતે જણાવ્યું હતું.વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામાં જાહેર આરોગ્યની પરિસ્થિતિ,અને વિશેષ કરીને માતા અને બાળ મૃત્યુદર ધટાડવાના દ્રઢ સંકલ્પ સાથે જાતમુલાકાતે પધારેલા ડૉ. જયંતિ એસ. રવિએ આહવાના સરકીટ હાઉસ ખાતે દિવસના પાછલા પ્હોરે, રાત્રીના ૮:૩૦ વાગ્યાથી ૧૦:૩૦ વાગ્યા દરમિયાન,આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા હાથ ધરી ઉપયોગી માર્ગદર્શન પણ પુરૂ પાડયુ હતું.જિલ્લાના આરોગ્ય તંત્રના અધિકારીઓ,કર્મયોગીઓ સહિત ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતા,તાલુકા આરોગ્ય અધિકારીઓ સર્વશ્રી ડૉ.દિનેશ શર્મા,પૌલ વસાવા અને ડી.સી.ગામીત સાથે આરોગ્યલક્ષી કામગીરીની તલસ્પર્શી ચર્ચા કરતા કમિશનર ડૉ. રવિએ, આગામી દિવસોમાં ખાસ કરીને તબીબી અધિકારીઓ ઉપરાંત તજજ્ઞ ડોક્ટરોની સેવાઓ સુનિヘતિ કરાશે તેમ જણાવ્યું હતું.માનવ વિકાસ સૂચકાંકમાં આરોગ્યસેવાઓને બહેતર બનાવીને તેના માપદંડ અનુસાર જરૂરી તમામ સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવીને, જાહેર આરોગ્યને વધુ સક્ષમ અને વિશ્વાસપાત્ર બનાવવાની દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે તેમ જણાવી ડૉ. જયંતિ રવિએ આરોગ્ય તંત્રની દરેક શાખાઓની કામગીરીનું સૂક્ષ્મ નિરિક્ષણ કરી,જાતમાહિતી મેળવી હતી. બીજા દિવસે વહેલી સવારે કમિશનર ડૉ. જયંતિ રવિએ તેમના ઉચ્ચાધિકારીઓ સહિત ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર,જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા સહિત આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓની ટીમ સાથે આહવાની સિવિલ હોસ્પિટલની પણ જાતમુલાકાત લીધી હતી.અહીં ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ.રશ્મિકાંત કોંકણી સહિત સમગ્ર સિવિલની ટીમ સાથે પરામર્શ હાથ ધરતા અગ્રસચિવશ્રીએ અહીં કાર્યરત ઇમરજન્સી વૉર્ડ સહિત એસ.એન.સી.યુ., ડીલીવરી રૂમ, ગાયનેક અને પી.એન.સી. વૉર્ડ, બ્લક સ્ટોરેજ અને પેથોલોજીકલ લેબોરેટરી, ઓપરેશ થિયેટર, પીડિયાટ્રીક વૉર્ડ વિગેરેનું સૂક્ષ્મ નિરિક્ષણ કરી, ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.સિવિલમાં તાલીમ/ફરજ બજાવતી નર્સિંગ સ્કૂલની સ્ટુડન્સને એક એક માસની સધન પ્રેક્ટીકલ તાલીમ મળી રહે તે બાબતની સૂચના આપતા કમિશનર ડૉ. રવિએ અહીં જરૂરિયાતના સમયે સરળતાથી જરૂરી બ્લડ ઉપલબ્ધ થાય તે માટે સમયાંતરે બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન ધડી કાઢવા પણ સિવિલ સત્તાવાળાઓને સૂચના આપી હતી.રાજ્યના આરોગ્ય વિભાગના વડા એવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ-વ-કમિશનર ડૉ. જયંતિ એસ. રવિની ક્ષેત્રિય મુલાકાત વેળા તેમની સાથે વિભાગના ઉચ્ચાધિકારીઓ એવા સામુહિક સહભાગીતા અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના સીનિયર કન્સલ્ટન્ટ શ્રીમતી ગાયત્રી ગિરી, મેટરનલ હેલ્થ કન્સલ્ટન્ટ ડૉ.પૂર્વ રત્નુ, પ્રોજેક્ટ ઓફિસર (ન્યૂટ્રિશ્યન) ડૉ.જય પટેલ, પી.સી. ઍન્ડ પી.એન.ડી.ટી.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.પઠાણ, સૂરત સર્કલના વિભાગીય નિયામક ડૉ.કંચલ સહિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચાધિકારીઓ વિગેરે જોડાયા હતા.ડાંગ જિલ્લા વહિવટી તંત્ર વતી કલેક્ટર શ્રી બી.કે.કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ આ ઉચ્ચાધિકારીઓનું સમગ્ર પ્રશાસન વતી ભાવભર્યુ સ્વાગત કર્યું હતું. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતા તથા તેમની ટીમે જિલ્લાની આરોગ્યલક્ષી કામગીરીથી ઉચ્ચાધિકારીઓને વાકેફ કરાવ્યા હતા.કમિશનર ડૉ.જયંતિ રવિએ ડાંગ જિલ્લાની આરોગ્ય કામગીરીની સરાહના કરી,સંતોષ વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500