Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચૂંટણી ઉમેદવારોના ગુનાખોરીના ઈતિહાસ કે ભૂતકાળ જાણવાનો મતદારોને અધિકાર:સુપ્રીમ કોર્ટ

  • August 29, 2018 

નવી દિલ્હી:અપરાધી નેતાઓને ચૂંટણી નહીં લડવા દેવાના અને બરતરફ કરવાના મામલે કરેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો મુલતવી રાખ્યો હતો.સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત એટર્ની જનરલ કે. કે.વેણુગોપાલે જણાવ્યું હતું કે,કોર્ટનો ઇરાદો રાજનીતિને સ્વચ્છ કરવાનો છે.પરંતુ કાયદાકીય દૃષ્ટિએ સુપ્રીમ કોર્ટને સંસદની રચનામાં દખલગીરીનો અધિકાર નથી.ચૂંટણી ઉમેદવારોના ગુનાખોરીના ઈતિહાસ કે ભૂતકાળને જાણવાનો મતદારોને અધિકાર છે અને ચૂંટણી પંચને રાજકીય પક્ષોને એવો આદેશ આપવાનું કહી શકાય કે અપરાધીઓને તેમની ચૂંટણી ટિકિટ પર ચૂંટણી લડવા ન દેવાય,એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. પબ્લિક ઇન્ટરેસ્ટ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલી પિટિશનમાં ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા અપરાધીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે,તદુપરાંત જેની પર રેપ,લાંચ-રુશ્રત,ભ્રષ્ટાચાર તથા હત્યા અંગેના કેસ ચાલી રહ્યા હોય તેવા ધારાસભ્યને બરતરફ કરવાની માંગણી પણ કરવામાં આવી છે.જોકે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ સુનાવણી દરમિયાન જૂઠી ફરિયાદો અને આરોપનો ઉલ્લેખ કર્યો હતો.એટર્ની જનરલે જણાવ્યું હતું કે,મોટા ભાગના કેસમાં રાજકારણીઓ છૂટી જતા હોય છે.તેમણે ઉમેર્યું હતું કે આ નીતિ વિષયક છે જેમાં કોર્ટ દખલગીરી ન કરે.ચીફ જસ્ટિસે કડક વલણ અપનાવી જણાવ્યું હતું કે,કોર્ટ કાયદાની કે રાજકીય પક્ષની માન્યતાની વાત નથી કરી રહી.અગાઉ કરવામાં આવેલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે જેની પર કોઈ પણ જાતના કેસ હોય તેવો રેકોર્ડ ધરાવનાર ઉમેદવારને ચૂંટણી નિશાન ન આપી શકાય એવી કોઈ સત્તા ચૂંટણી પંચને છે કે નહીં ? જોકે સરકારે તેનો વિરોધ કર્યો હતો.સરકારે જણાવ્યું હતું કે,ચૂંટાયેલા ઉમેદવાર જ એ અંગેનો નિર્ણય કરી શકે છે.એટર્ની જનરલે વધુમાં જણાવ્યું હતું કે,જયાં સુધી અપરાધ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપીને દોષી કહી શકાતો નથી.તેથી પણ કોર્ટે નિર્ણય કર્યા પહેલા વિચારવું જરૂરી છે.સુનાવણીની સામસામી દલીલો બાદ પાંચ જજની ખંડપીઠે સુનાવણી મુલતવી રાખી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application