નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે એક ફેંસલામાં જણાવ્યુ છે કે,પારિવારીક દેવુ ચુકવવા કે અન્ય કાનૂની જરૂરીયાતો માટે જો પરિવારનો વડો પૈતૃક સંપત્તિ વેંચે તો પુત્ર કે અન્ય હિસ્સેદાર તેને કોર્ટમાં પડકારી ન શકે.આવુ કહેતા સુપ્રીમ કોર્ટે ૫૪ વર્ષ પહેલા દાખલ થયેલ એક કેસને ફગાવી દીધો છે.કોર્ટે કહ્યુ છે કે,એક વખત એ સાબિત થઈ જાય કે પિતાએ કાનૂની જરૂરીયાત માટે સંપત્તિ વેંચી છે તો હિસ્સેદાર તેને કોર્ટમાં પડકારી ન શકે.આ મામલામાં પુત્રએ પોતાના પિતા વિરૂદ્ધ ૧૯૬૪માં એક કેસ દાખલ કર્યો હતો.મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા અને ફેંસલો આવ્યો ત્યાં સુધીમાં પિતા અને પુત્ર બન્ને મૃત્યુ પામ્યા હતા પરંતુ વારસદારોએ કેસ ચાલુ રાખ્યો હતો.
જસ્ટીસ એ.એમ.સપ્રે અને એસ.કે.કોલની ખંડપીઠે આ ફેંસલો સંભળાવતા કહ્યુ હતુ કે,હિન્દુ કાનૂનની કલમ ૨૫૪ માં પિતા દ્વારા સંપત્તિ વેંચવાની અંગેની જોગવાઈ છે.આ મામલામાં પ્રિતમસિંહના પરિવાર પર બે કેસ હતા અને તેમને ખેતીની જમીનમાં સુધારા કરવા માટે પૈસાની પણ જરૂરીયાત હતી.ખંડપીઠે કહ્યુ છે કે,પ્રિતમસિંહના પરિવાર પર દેવુ હોવાને કારણે તેને પુરો અધિકાર હતો કે સંપત્તિ વેંચી દે.કલમ ૨૫૪-૨ મા જોગવાઈ છે કે,જેની પાસે સ્થાવર જંગમ મિલ્કત હોય તે વેંચી શકે છે.એટલુ જ નહિ તે પુત્ર અને પૌત્રના હિસ્સાને પણ દેવુ ચૂકવવા માટે વેંચી શકે છે પરંતુ આ દેવુ પૈતૃક હોવુ જોઈએ અને કોઈ અનૈતિક કે ગેરકાનૂની કાર્ય માટે પેદા થયેલુ ન હોવુ જોઈએ.કોર્ટે કહ્યુ છે કે,પારીવારિક વ્યવસાય કે અન્ય જરૂરી ઉદ્દેશ કાનૂની જરૂરીયાતો હેઠળ આવે છે.આ મામલામાં પ્રિતમસિંહે ૧૯૬૨માં લુધીયાણામાં પોતાની ૧૬૪ કેનાલ જમીન બે વ્યકિતને ૧૯૫૦૦ રૂ.માં વેંચી નાખી હતી.આ ફેંસલાને તેના પુત્ર કેહરસિંહે કોર્ટમાં પડકાર્યો હતો અને કહ્યુ હતુ કે પૈતૃક સંપત્તિને પિતા વેંચી ન શકે કારણ કે તે તેનો હિસ્સેદાર છે.તેની પરવાનગી વગર પિતા જમીન વેંચી ન શકે.ટ્રાયલ કોર્ટે આ મામલામાં ફેંસલો પુત્રના પક્ષમાં આપ્યો અને વેંચાણ રદ કર્યુ હતું. મામલો અપીલ અદાલતમાં આવ્યો અને તેણે જોયુ કે દેવુ ચૂકવવા માટે જમીન વેંચવામાં આવી હતી.અપીલ કોર્ટે ફેંસલો પલ્ટી નાખ્યો.મામલો હાઈકોર્ટમાં ગયો અને ત્યાં ૨૦૦૬માં આ ફેંસલો યથાવત રાખવામાં આવ્યો હતો.હાઈકોર્ટની ખંડપીઠે પણ આ મામલામાં આ જ ફેંસલો રાખ્યો અને કહ્યુ કે,કાનૂની જરૂરીયાત માટે સંપત્તિ વેંચી શકાય છે.પૈતૃક દેવુ ચૂકવવા માટે,સંપત્તિ પર સરકારી લેણુ ચૂકવવા માટે,પરિવારના હિસ્સેદારો અને તેના પરિવારજનોના ભરણપોષણ માટે,પુત્રના વિવાહ કે તેની પુત્રીઓના વિવાહ માટે,પરિવારના સમારોહ કે અંતિમ સંસ્કાર માટે,સંપત્તિ પર ચાલી રહેલા કેસના ખર્ચ માટે,સંયુકત પરિવારના વડા વિરૂદ્ધ ગંભીર ગુન્હાહીત કેસમાં તેના બચાવ માટે સંપત્તિ વેંચી શકાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500