નવી દિલ્હી:ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનું ગુરૂવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું.તેઓ ૧૧ જુનથી એમ્સમાં દાખલ હતા.અટલબિહારી વાજપેયીનો પાર્થિવ દેહ દિલ્હીના ૬-એ,કૃષ્ણમેનન રોડ પર આવેલ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો.બધા મોટા મોટા નેતાઓ અટલજીના અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.સોશીયલ મીડિયાના માધ્યમથી પણ દેશ-વિદેશના લોકોએ અટલજીને શ્રદ્ધાંજલીઓ આપી હતી.
આજે વાજપેયીનું પાર્થિવ શરીર સવારે સાડાનવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી જનતાને અંતિમ દર્શન માટે ભાજપાના મુખ્ય કાર્યાલયમાં રખાયું છે.ત્યાર પછી બપોરે દોઢ વાગ્યાથી તેમની અંતિમ યાત્રા નિકળશે.અંતિમ યાત્રા ભાજપા મુખ્યાલયથી દિનદયાલ ઉપાધ્યાય માર્ગ થઇને આઇટીઓ રેડ લાઇટ પહોંચશે, ત્યાર પછી ત્યાંથી રાજઘાટના રાષ્ટ્રીય સ્મૃતિ સુધી જશે.પ્રાર્થના સભા અને ર૧ બંદુકની સલામી સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના પાર્થિવ શરીરને આજે સાંજે ૪ વાગ્યે યમુના કિનારે રાજઘાટની પાસે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર અગ્નિ સંસ્કાર આપવામાં આવશે.સ્મૃતિ સ્થળ પર વાજપેયીના અંતિમ સંસ્કાર ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલા ચોક ઉંચા સ્થળ પર થશે.સ્મૃતિ સ્થળ જવાહરલાલ નેહરૂના સ્મારક શાંતિવન અને લાલબહાદુર શાસ્ત્રીના સ્મારક વિજય ઘાટની વચ્ચે આવેલું છે.ભૂતપૂર્વ વડા પ્રધાન આઇ.કે.ગુજરાલના અંતિમ સંસ્કાર યમુના નદીના કિનારે ડીસેમ્બર-ર૦૧રમાં સ્મૃતિ સ્થળ પર કરાયા હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, સોનિયા ગાંધી, રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે સહિત ઘણી મોટી હસ્તીઓએ વાજપેયીજીને ફૂલ ચઢાવીને શ્રદ્ધાંજલી આપી હતી.વાજપેયીજીના અંતિમ સંસ્કાર આજે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અને કેન્દ્ર સરકારની બધી ઓફીસોમાં આજે અર્ધા દિવસની રજા રહેશે.વાજપેયીના સન્માનમાં સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.ગૃહમંત્રાલયે સર્કયુલર બહાર પાડીને કહ્યું છે કે, આખા દેશમાં રાષ્ટ્રીય ધ્વજ આજથી અર્ધી કાઠીએ રહેશે.ગૃહ મંત્રાલયે કહ્યું છે કે,વાજપેયીના સમ્માનમાં આખા ભારતમાં ૧૬ ઓગસ્ટથી રર ઓગસ્ટ સુધી રાજકીય શોક મનાવવામાં આવશે.વડાપ્રધાન મોદીએ એક પછી એક એમ કેટલાય ટવીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.તેમણે કહ્યું કે, 'હું નિશબ્દ છું, શૂન્યમાં છું પણ લાગણીઓનું પૂર ઉમટી રહ્યું છે.' આપણા બધાના શ્રદ્ધેય અટલજી આપણી વચ્ચે નથી, જે મારા માટે અંગત નુકસાન છે.તેમણે આગળ પણ કહ્યું કે, 'અટલજી જવું મારા માટે પિતા ગુમાવવા જેવું છે.હું જયારે પણ તેમને મળતો ત્યારે તે પિતાની જેમ જ મને નમતા હતા,તે ભારતમાતાના સાચા સપૂત હતા.તેમના જવાથી એક યુગનો અંત આવ્યો છે.' અટલજીના નિધન પર, ચીન, જાપાન, અમેરિકા, બ્રિટન, નેપાળ અને બાંગ્લાદેશે પોતાની સંવેદનાઓ વ્યકત કરી છે.પાકિસ્તાનના થનાર વડાપ્રધાન ઇમરાનખાને પણ તેમના મૃત્યુ પર દુઃખ વ્યકત કર્યું છે.વાજપેયીજીની અંતિમયાત્રામાં ભાજપા કેટલાય દિગ્ગજ નેતાઓ સહિત હજારો કાર્યકર્તાઓ અને આમ પ્રજા પણ શામેલ થશે.આ ઉપરાંત શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશની સરકારના પ્રતિનિધિઓ પણ વાજપેયીના અંતિમ દર્શન માટે દિલ્હીમાં હાજર રહેશે.આ કારણે ટ્રાફીક જામથી બચવા અને સુરક્ષા કારણોથી અંતિમયાત્રાનો માર્ગ સામાન્ય જનતા માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.દિલ્હી સરકારે આજે પોતાની બધી ઓફીસો શાળાઓ અને બજારને પણ વાજપેયીના માનમાં બંધ રાખવાની જાહેરાત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500