તાપી જિલ્લાના વ્યારા વન વિભાગના સોનગઢ તાલુકાના ખેરવાડા રેન્જમાંથી રક્ષિત શિડયુલ 1નાં વન્યપ્રાણી દીપડાનો શિકાર કરી મૃતદેહ માંથી 4 પગ, દાંત જબડા સાથે, મૂછના વાળ તીક્ષ્ણ હથિયારથી કાપી કાઢી શિકારીએઓ ચોરી કરી લઈ ગયા હતા. જે વાતને ગુપ્ત રાખી વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન ખેરવાડામાં રહેતા 6 શિકારીને પકડી સિવિયેટ કેટ (વણીયર)ના કપાયેલા પગ નંગ 4, વન્યપ્રાણી દીપડાના મુંછનાં વાળ નંગ 2 સહિત કિંમતી લાકડા કબ્જે કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોનગઢ તાલુકાના ખેરવાડા રેન્જ કમ્પાર્ટમેન્ટ નંબર-49માંથી ગત તારીખ 3 એપ્રિલનાં રોજ શિડયુલ 1નાં વન્યપ્રાણી દિપડાનો શિકાર કરી મૃતદેહમાંથી 4 પગ, દાંત જબડા સાથે, મુંછનાં વાળ તીક્ષ્ણ હથિયારથી કાપી કાઢી શિકારી ચોરી કરીને લઈ ગયા હતા, જેનો મૃતદેહ પણ વન વિભાગને કબ્જે કર્યો હતો જેથી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ખેરવાડા રેન્જે ગુનો નોંધી ઘટનાને ગુપ્ત રાખી સુરત વિભાગનાં મુખ્ય વન સંરક્ષક ડો.કે.શશીકુમાર તથા તાપી નાયક વન સંરક્ષક પુનીત નૈયરે સ્થળની રૂબરૂ મુલાકાત કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સ્ટાફને માર્ગદર્શન આપી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન અલગ-અલગ સ્થળે રેડ કરીને ગુનામાં સંડોવાયેલા 6 આરોપીને 3 દિવસ પૂર્વ તારીખ 8મી એપ્રિલનાં રોજ અટક કરી પૂછતાછ હાથ ધરી આરોપી ફતેસિંગભાઈ કાથુડિયાભાઈ વસાવાનાં ખેતરની બાજુનાં ગૌચરની જમીનમાં ડાંગર અને મકાઈના પુળીયામાં દીપડાનાં મુંછનાં વાળ નંગ 2, તથા આરોપી બાલુભાઈ જમશીભાઈ વસાવાના ઘરેથી સિવિયેટ (વણીયર) અનુસૂચિત 1નાં વન્યપ્રાણીના કપાયેલા પગ નંગ 4 કબ્જે કરી ગુનો ઉકેલ્યો હતો. વધુમાં ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીને ત્યાં તપાસ હાથ ધરી હતી ગેરકાયદેસર રીતે સંડોવાયેલો કિંમતી લાકડા પણ કબ્જે કરવામાં આવ્યા હતો. જોકે આરોપીઓ કેટલા સમયથી શિકાર કરતા હતા અને જરૂરી અંગો કોને વેચતા હતા જે અંગે હાલ હજી તપાસ શરૂ હતી. આમ, પોલીસે માનસિંગભાઈ મગનભાઈ વસાવા, ફતેસિંગભાઈ કાથુડીયાભાઈ વસાવા, ચંદુભાઈ સોનજીભાઈ વસાવા, માગતીયાભાઈ રૂપાભાઈ વસાવા, બાલુભાઇ જમશીભાઈ વસાવા અને કુંવરજીભાઈ ઝીણાભાઈ વસાવા (તમામ રહે. ખેડવાડા ગામ, તા.સોનગઢ) નાઓને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500