અરબી સમુદ્રમાં ઊભી થયેલી ઓખી વાવાઝોડા સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલા અને આયોજન અંગે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટરશ્રી મહેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જિલ્લા કલેકટરશ્રી મહેન્દ્ર પટેલે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ઓખી વાવાઝોડુ ૫ ડિસેમ્બરની મધ્ય રાત્રિથી ૬ ડિસેમ્બરની વહેલી સવાર સુધીમાં સુરત જિલ્લાના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના રહેલી છે.
‘ઓખી’ વાવાઝોડાની તીવ્રતા કેવી હશે તે નિશ્ચિત નથી, પણ હાલ ૭૦૦ કિ.મી. દુર વાવાઝોડુ ૧૦૦ થી ૧૫૦ કિ.મી.ની ઝડપે આવી રહ્યું છે પણ સુરતના કાંઠા પર આવતા તેની અંદાજીત ઝડપ ૫૦ થી ૬૦ કિ.મી. પ્રતિ કલાકની રહેવાની સંભાવના રહેલી છે. જેથી તકેદારીના ભાગરૂપે ઓલપાડ, ચોર્યાસી, સુરત સીટી તાલુકાના ૬૩ ગામોના સરપંચોને પરિસ્થિતિથી વાકેફ કરી એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને કાચા અને પતરાવાળા મકાનો, પ્લાસ્ટિકના શેડવાળા મકાનોમાં રહેતા ગ્રામજનોને સલામત સ્થળે તા.૫મી બપોર સુધીમાં રાહત કેમ્પમાં સ્થળાતરિત કરવાની સૂચનાઓ આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. સંભવિત અસરગ્રસ્તોને ખોરાક, પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવા તંત્ર દ્વારા રાહત કેમ્પ પણ શરૂ કરવામાં આવશે.
કલેકટરે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક લેવાયેલા પગલાઓ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, રાજ્યના હવામાન અને મહેસુલ ખાતાના કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ કલોક ચાલુ કરી દેવામાં આવ્યા છે. ઓખી વાવાઝોડા અંગેની કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે એક ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩- ૧૦૭૭ પણ તાત્કાલિક શરૂ કરાયો છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ, પીવાના પાણીની આગોતરી વ્યવસ્થા કરવામાં આવનાર છે. કલેકટરશ્રીએ મીડિયા મારફત જાહેર જનતાને વાવાઝોડાથી ન ગભરાવા અને અફવા પર ધ્યાન ન આપવા જણાવીને તા.૫મીના બપોરથી તા.૬ઠ્ઠીના બપોર સુધીમાં પ્રજાજનો બિનજરૂરી બહાર ન નીકળે તે માટે પણ કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
સ્થળાતર સમયે સામાન તથા ઢોર-ઢાંખરની સલામતી, ખેડૂતોના જાનમાલને વાવાઝોડા કે વરસાદની કોઈ નુકશાનીનો સામનો ન કરવો પડે તે માટે જાગૃત રહેવાની સાથે શાળા/મહાશાળાઓમાં જરૂર પડયે રજા જાહેર કરવા મુદ્દે પણ જરૂરી નિર્ણય લેવામાં આવશે તેમ કલેકટરશ્રીએ કહ્યું હતું.
દરિયામાં પાઈપ લાઈન મારફતે ઓઈલ, ગેસ કે અન્ય કેમિકલનું વહન કરતા હોય તેવા હજીરા પટ્ટીના મોટા પાંચ ઉદ્યોગોના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટને ૫ ડિસેમ્બરથી ૨૪ કલાક માટે પોતાના તમામ ઓપરેશન બંધ રાખવાની સુચના આપી દેવાઈ છે. કલેકટરશ્રીએ હાલમાં કોઈ માછીમાર દરિયા ખેડવા ગયા નથી પણ હજુ મસ્ત્યોદ્યોગ, કોસ્ટગાર્ડ દ્વારા તેની પણ ખાત્રી કરવામાં આવશે. સંદેશા વ્યવહાર સતત શરૂ રહે તે માટે જે તે કંપનીઓને તેમના ટાવરોમાં ડીજીસેટ મૂકવાની સૂચના આપી હતી.
સુરત પર તોળાઈ રહેલા સંભવિત ઓખી વાવાઝોડાના ખતરા સામે સંપૂર્ણપણે તંત્ર સતર્ક હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ભયજનક પરિસ્થિતિ સામે લોકોનું સ્થળાંતર કરવાના સંજોગો ઉભા થાય તેવાં સંજોગોમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ફૂડ પેકેટ અને પાણીની પર્યાપ્ત વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવાઈ છે. જરૂર પડ્યે એસ.આર.પી. એરફોર્સ અને કોસ્ટ ગાર્ડની સહાય પણ રાજય સરકાર દ્વારા આપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500