Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એન્ટાર્ક્ટિકામાં 5500 વર્ષ જૂનો ‘ડૂમ્સ ડે’ બરફનો પર્વત ઝડપભેર પીગળતો હોવાથી અસંખ્ય શહેરો ડૂબી જવાની શક્યતાઓ

  • February 17, 2023 

એન્ટાર્ક્ટિકામાં આવેલા થ્વાઈટ્સ ગ્લેશિયર અંગે ચિંતાજનક અહેવાલ રજૂ થયો છે. અમેરિકા-બ્રિટનના 13 વિજ્ઞાનિકોએ બે મહિના સુધી સંશોધન કરીને આપેલા અહેવાલ પ્રમાણે ડૂમ્સ ડે પર્વતના નામથી ઓળખાતો આ વિશાળ પર્વત ઝડપભેર પીગળી રહ્યો છે અને તેનાથી સમુદ્રની સપાટી 10 ફૂટ વધી જવાની શક્યતા છે. રોબોટને 2 હજાર ફૂટ ઊંડાણમાં મોકલીને બરફનો પર્વત કેટલો પીગળી રહ્યો છે તેનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.


અત્યાર સુધી જે ધારણાં હતી તેનાથી અનેકગણી ઝડપે આ પર્વત પીગળી રહ્યો છે. તેનાથી મોટો વિનાશ વેરાય એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. સાયન્સ જર્નલમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. એન્ટાર્કિટક ખંડમાં આવેલા વિશાળ થ્વાઇટ્સ ગ્લેશિયરની નીચે પહોળી તિરાડો જોવા મળી છે જેના કારણે તેનું ગળતર ઝડપી બન્યું હોવાથી મહાસાગરોની સપાટી વધશે તેમ કોર્નેલ યુનિવર્સિટીની સંશોધક ટીમે તેના અભ્યાસમાં જણાવ્યું છે. આ પ્રકારનું પ્રથમ નિરીક્ષણ દૂરથી ઓપરેટ કરવામાં આવતાં અંડરવોટર રોબોટ આઇસફિન દ્વારા કરવામાં આવ્યું છે. આ રોબોટેને ફલોરિડા જેવડા કદના વિશાળ ગ્લેશિયરમાં 2 હજાર ફૂટ ઉંડો બોરહોલ પાડીને ઉતારવામાં આવ્યો હતો. 






સંશોધકોએ જણાવ્યું હતું કે, થ્વાઇટ્સ ધીમેધીમે દરિયામાં ગરક થઇ રહ્યો છે અને તેને કારણે 2011થી મહાસાગરનું તળિયું સતત ઉપર આવી રહ્યું છે. આ બરફની વિશાળ છાજલીના પાયામાં રહેલો બરફ પીગળીને પાતળો થઇ ગયો છે. જર્નલ નેચરમાં પ્રકાશિત આ અભ્યાસમાં પ્રમાણમાં હુંફાળા મહાસાગરના પાણીમાં ગ્લેશિયર પીગળે તો તેની કેવી અસર થાય તે અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે. આઇસફિન નામનો રોબોટ ઓસનોગ્રાફર સંશોધકોને બરફની છાજલી નીચે રહેલા બરફ અને પાણીનો અભ્યાસ કરવાની તક પુરી પાડે છે.






બરફને પીગળવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાથી કેટલો બરફ પીગળે છે એટલું જ નહીં પણ તે ક્યા અને કેટલો પીગળી રહ્યો છે તે સમજવા મળે છે. કોર્નેલ યુનિવર્સિટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ અર્થ એન્ડ એટમોસ્ફિયરીક સાયન્સીઝના એસોસિએટ પ્રોફેસર બ્રિટની સ્મિથે જણાવ્યું હતું કે ગ્લેશિયરની તિરાડોમાં દરિયાનું હુંફાળું પાણી ઘૂસી જવાને કારણે ગ્લેશિયર બરડ બની રહ્યો છે. આઇસફિન દ્વારા પુરા પાડવામાં આવતાં ડેટાને આધારે ગણતરી માંડીને ગ્લેશિયરના પીગળવાના દરનો અડસટ્ટો લગાવવામાં આવ્યો છે.






ઇન્ટરનેશનલ થ્વાઇટ્સ ગ્લેશિયર કોલોબોરેશનના ભાગરૂપે બરફની નીચેના હિસ્સામાં રોબોટ મોકલી તેની નિરીક્ષણો મેળવવામાં આવ્યા છે. 1990નાં દાયકાથી થ્વાઇટ્સ લાઇન નવ માઇલ પાછળ ખસી છે. જેના કારણે 75 માઇલ પહોળો બરફનો હિસ્સો પીગળીને મહાસાગરમાં ભળ્યો હોવાનું આ અભ્યાસમાં જણાવ્યું છે. દરમ્યાન આર્કટિક સર્કલમાં 18 મિલિયન વર્ષથી છવાયેલી બરફની ચાદર પીગળવાની શરૂઆત થઇ ચૂકી છે. જેના પગલે મહાસાગરોમાં એસિડિટીનું પ્રમાણ ત્રણથી ચાર ગણું વધારે ઝડપથી વધી રહ્યું હોવાનું સાયન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું છે.





સંશોધકોએ બરફ પીગળવાના દર અને દરિયાના વધી રહેલા એસિડિફિકેશનના દર વચ્ચે મજબૂત સંબંધ હોવાનું તારણ કાઢ્યું છે. આ અભ્યાસ માટે 1994થી 2020 સુધીનો ડેટા ખપમાં લેવામાં આવ્યો છે. વિજ્ઞાનીઓએ આગાહી કરી છે કે આ પ્રદેશમાંનો બરફ સતત ગરમ બની રહેલા ઉનાળાઓને કારણે 2050 સુધીમાં નામશેષ થઇ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News