રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી છે. જેમાં 6-7 એપ્રિલ, 2025ના રોજ કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો હાઇ જઈ રહ્યો છે, હવામાન વિભાગે આગામી 9 એપ્રિલ સુધી ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ભુજમાં શનિવારે 44.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 9 જિલ્લામાં રેડ, યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવામાન વિભાગે આવતીકાલે રવિવારે (6 એપ્રિલ, 2025) અને 7 એપ્રિલના રોજ કચ્છ જિલ્લા હિટવેવનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં યલો ઍલર્ટ અને મોરબી અને રાજકોટ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 8-9 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં હિટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બંને દિવસે કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 10-11 એપ્રિલના રોજ શુષ્ક હવામાનની આગાહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500