દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના વડોલી, ઉમરાછી, કિમામલી અને કઠોદરા ગામની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા બચાવ-રાહત કાર્યોની સમીક્ષા કરી સ્થાનિક અસરગ્રસ્તોને ભોજન, દવા, પીવાના પાણી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બને એ અંગે કાળજી લીધી હતી.
મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ ભારે વરસાદ પડી રહ્યો છે, જેથી ઉપરવાસમાંથી પાણી આવતાં કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે. એનડીઆરએફની ટીમ દ્વારા ઓલપાડ તાલુકાના પૂર પ્રભાવિત અને વરસાદી પૂરમાં ફસાયેલા ૫૪૧ લોકોને સહીસલામત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે, તેમના માટે શેલ્ટર હોમમાં રહેવા, જમવા, પીવાના પાણી, દવા જેવી જરૂરી ચીજવસ્તુઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીશ્રીએ વહીવટી તંત્રને આ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટરની તમામ વિગત અપડેટ રાખવા અને અધિકારીઓ સહિત લોકોને આફત સામે સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500