તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૧૭મી, ફેબ્રુઆરીના રોજ યોજાનારી તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.પી મુનિયાએ એક જાહેરનામું બહાર પાડીને સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં અનધિકૃત સભા સરઘસ ઉપર પ્રતિબંધ મુકયો છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર સોનગઢ નગરપાલિકા મતવિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યકતિઓએ ભેગા થવું નહિં. કોઇ સભા બોલાવવી નહિં કે સરઘસ કાઢવું નહિં.
આ હુકમ લગ્નના વરઘોડા, સિનેમા, ટાઉનહોલમાં, સ્મશાનયાત્રામાં, એસ.ટી.બસમાં, રેલવેમાં મુસાફરી માટે કે મંદિર, મસ્જીદ કે દેવળમાં પ્રાર્થના માટેના શુદ્ધ આશયથી જતી વ્યક્તિઓને લાગુ પડશે નહિં. સક્ષમ અધિકારીએ આપેલ સભા/સરઘસની પરવાનગીથી યોજાતા સભા/સરઘસમાં જતી, ભાગ લેતી વ્યકતિઓને લાગુ પડશે નહિં. આ હુકમ તાત્કાલિક અસરથી તા. ૧૯/૦૨/૨૦૧૮ સુધીમાં સોનગઢ નગરપાલિકા મતવિસ્તારમાં અમલી રહેશે.હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500