મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ વીજળી પડવાથી 5 લોકોનાં મોત થયા હતા. જયારે 4ને ઈજા પહોંચી હતી. એમાંથી ત્રણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. જોકે આસામમાં પણ પૂરપ્રકોપથી વધુ 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાના બનાવો બન્યા હતા. છીંદવાડા અને સીઓની જિલ્લામાં વીજળી પડવાથી 5 લોકોનાં મોત થયા હતા અને 4ને ગંભીર ઈજા પહોંચી હતી.
હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં યલ્લો એલર્ટ જારી કર્યો હતો. આસામમાં પૂરપ્રકોપ યથાવત છે. 32 જિલ્લાનાં અસંખ્ય ગામડાં જળબંબાકાર થઈ ગયા છે. 55 લાખ લોકો આ પૂરપ્રકોપથી અસરગ્રસ્ત બન્યા છે. રાજ્યમાં વધુ 7નાં મોત થયા હતા અને કુલ મૃત્યુ આંક 100ને પાર પહોંચી ગયો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમે 15 હજાર લોકોને ડૂબતા બચાવ્યા હતા. રાજ્યમાં 275 બોટની મદદથી બચાવ-રાહત કામગીરી ચાલી રહી છે.
હવામાન વિભાગે કેરળ, કર્ણાટક, ગોવા, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં વરસાદી ઝાપટાં પડયા હતા. બીજી તરફ જમ્મુ-શ્રીનગર હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ થઈ જતાં અસંખ્ય વાહનો અટવાઈ ગયા હતા. જેથી 270 કિલોમીટર લાંબાં રસ્તાને ફરીથી ચાલુ કરવાના પ્રયાસો શરૂ કરાયા હતા. મોટા પથ્થરોને રસ્તામાંથી હટાવવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવો પડયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500