Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રીશ્રીએ ઓખી વાવાઝોડાની આપત્તિ સામે સુરત જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી બચાવ અને રાહત માટેની પૂર્વતૈયારીની સમીક્ષા કરી

  • December 06, 2017 

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત શહેર અને જિલ્લામાં ઓખી વાવાઝોડાની મંડરાઈ રહેલી આપદાને પહોચી વળવા માટે કેન્દ્ર અને રાજય સરકારનું તમામ તંત્ર સાબદુ હોવાનું જણાવીને પ્રજા અને તંત્રએ એક બીજાના સાથ સહકારથી સંકટને પહોચી વળવા માટે સજજ થવાનો અનુરોધ કર્યો હતો. ભારતીય હવામાન ખાતાની આગાહી આજરોજ તા.૫મી ડિસેમ્બરના મધ્યરાત્રીના ઓખી વાવાઝોડું સુરત તરફ આવી રહ્યું છે તેવા કુદરતી આપદા સમયે પ્રતિકુળ વાતાવરણ હોવા છતા પણ આ આપત્તિને પહોચી વળવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે આવીને જિલ્લા-શહેરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને આગોતરા આયોજનની સમીક્ષા કરી હતી. સુરત ખાતે યોજાયેલી બેઠકમાં સાયકલોનની ગંભીરતાને ધ્યાને લઈ ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે રાજય અને જિલ્લાના તંત્રને સતર્ક રહેવા જણાવ્યું હતું. આ આપદાને પહોચી વળવા માટે કેન્દ્ર અને રાજય સરકાર સતત સંકલન છે અને જરૂર જણાયે તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. સુરતના તંત્રની કસોટી છે જેને પાર કરવા એકબીજા સાથે સંકલનમાં રહીને કાર્ય કરવાનો અનુરોધ કરતા તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ તાજેતરની બનાસકાંઠાની પૂરની આફતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના વિનાશક પૂરથી સર્જાયેલી ખાના-ખરાબી હજુ જનમાનસમાં તાજી છે. તંત્રની સતર્કતા અને તત્કાલ રાહતકાર્યથી ૮૦,૦૦૦ લોકોના જીવ બચાવી શકાયા હતા. જેથી સૌથી ઓછી જાનમાલની નુકસાની સર્જાઈ હતી. ત્યારે સુરતનું તંત્ર પણ આ જ માર્ગે ચાલી સતત જાગૃત્ત રહીને વાવાઝોડાનો સામનો કરશે તેવી અપેક્ષા છે. શક્ય હોય ત્યાં સુધી ૬ ડિસેમ્બરે પ્રતિકુળ પરિસ્થિતિને ધ્યાને લઇ લોકોને સાવધાની વર્તવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ લોકોમાં ખોટો ભય ઉભો ન થાય તે માટે પુરતી તકેદારી રાખીને તંત્ર અને પ્રજા સાથે મળીને સંકટને પાર પાડવા માટેનો અનુરોધ કર્યો હતો. સુરત શહેર-જિલ્લામાંથી ૧૬૦૦ લોકોનુ સ્થળાતર કરવામાં આવ્યા હોવાની વિગતો જિલ્લા વહીવટીતંત્રએ આપી હતી. સુરત ખાતે એન.ડી.આર.એફ.ની બે ટીમો અને નવસારી અને વલસાડ ખાતે એક-એક ટીમો સ્ટેન્ડ બાય રહેશે તેમ જણાવ્યું હતું. મુખ્ય સચિવશ્રી જે.એન.સિંહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીને નુકશાન ન થાય એ માટે પણ યુદ્ધના ધોરણે પગલાં લેવાયાં છે. રાજ્યમાં મગફળીની ૬ લાખથી વધુ બોરીઓને ગોડાઉનમાં અથવા તો શેડ કે તાડપત્રી હેઠળ સલામત રાખવામાં આવી છે. મહેસુલ વિભાગના અગ્ર સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું હતું કે, દરિયો તોફાની થતાં માછીમારી માટે દરિયામાં ગયેલા માછીમારોના જાન-માલને નુકશાન ન થાય તે માટે વહીવટીતંત્રએ વિશેષ ઝૂંબેશની જેમ કામ કરીને ૧૪,૦૦૦થી વધુ બોટ સાથે માછીમારોને પરત કાંઠે બોલાવી લેવામાં સફળતા મેળવી હોવાની વિગતો આપી હતી. વધુમાં અગ્ર સચિવશ્રીએ જણાવ્યું હતું કે, હજીરાના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ કોઇ અકસ્માત ન સર્જાય તે માટે પુરતાં પગલાં લેવાયાં છે. સુરત નજીક દરિયામાંથી ગેસ કાઢવાની કામગીરી ચાલી રહી છે. તમામ પાંચ ગેસ સ્ટેશનોમાંથી ગેસ કાઢવાની કામગીરી હાલ સ્થગિત કરીને ત્યાં કામ કરતા તમામ લોકોને સલામતી હેતુ કાંઠે લાવી દેવામાં આવ્યા છે. સુરત શહેરમાં લોકોને સાવચેત અને સલામત રહેવાના મેસેજ આપવા ૧૩ લાખથી વધુ એસ.એમ.એસ. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. સુરતમાં આવતીકાલે શાળા-કોલેજા બંધ રહેશે. જિલ્લા કલેકટરશ્રી મહેન્દ્ર પટેલ તથા મ્યુ.કમિશનરશ્રી એમ.થૈન્નારસને કરવામાં આવેલી કામગીરીને વિગતે રૂપરેખા આપી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી એમ.કે. દાસ, પોલિસ કમિશનરશ્રી સતીશ શર્મા, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી એમ.કે.નાયક, ડી.જી.વી.સી.એલ.ના એમ.ડી. આર્દ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. રાજેશ, એન.ડી.આર.એફ. ના અધિકારીઓ, મહેસુલ તથા શહેર- જિલ્લાકક્ષાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application