ગુજરાતનાં માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરતા સમયે કેટલીક વાર દિશાભ્રમ થઇ જતા પાકિસ્તાનની સરહદ ઓળંગી જાય છે ત્યારે પાકિસ્તાનનાં સુરક્ષા દળો દ્વારા તેમનું અપહરણ કરી કેદ કરવામાં આવે છે. આવા નિર્દોષ માછીમારોને પોતાના વતન પરત લાવવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે જ છેલ્લા એક મહિનાના સમયગાળામાં પાકિસ્તાનની જેલમાંથી બે તબક્કામાં કુલ 398 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.
જે પૈકી ગુજરાતના 355 માછીમારોની વર્ષો બાદ વતનવાપસી થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા ભારત સરકાર સમક્ષ સતત કરાયેલી રજૂઆતોના પરિણામે આજે આ સાગર ખેડૂઓનાં પરિવારોમાં આનંદની લાગણી છવાઇ છે.
વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર તેમજ કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ગુજરાતના માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાવવા કરાયેલા રાજદ્વારી પ્રયાસો માટે રાજ્યનાં મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે તેમનો આભાર માન્યો હતો. મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના માછીમારોના સર્વાગી વિકાસ અને સુરક્ષા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને હરહંમેશ રહેશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી પાકિસ્તાનની કેદમાં રહેલા ગુજરાતના 171 માછીમારો સહિત દેશના કુલ 200 માછીમારોને ગત 2 જૂન, 2023ના રોજ મુક્ત કરાયા હતા. તબીબી તપાસ અને વેરીફીકેશન બાદ ગુજરાતના આ માછીમારો ટ્રેન મારફત વડોદરા આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બસ મારફત તેઓને સુરક્ષિત રીતે પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. વર્ષો બાદ વતનવાપસી થતા તેમના પરિવારમાં પણ આનંદ છવાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500