Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લૉકડાઉન ભલે જતુ રહ્યું પરંતુ વાયરસ નથી ગયો : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

  • October 21, 2020 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેલિવિઝનના માધ્યમથી આપેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં તમામ દેશવાસીઓને ભારપૂર્વક અપીલ કરી હતી કે, કોવિડ મહામારી સામે હાલમાં ચાલી રહેલી દેશની લડાઇ સહેજપણ નબળી ના પડવી જોઇએ અને હાલના પરિણામોથી સંતોષ ના માની લેવો જોઇએ.

 

 

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, લૉકડાઉન ભલે ઉઠાવી લેવામાં આવ્યું હોય પરંતુ તેનો અર્થ એવો નથી કે કોરોના વાયરસ પણ જતો રહ્યો છે. સમગ્ર દેશમાં એકંદરે પરિસ્થિતિમાં આવેલા સુધારાની તેમણે પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આર્થિક પ્રવૃત્તિઓ હવે ફરી સામાન્ય સ્થિતિમાં આવી રહી છે અને લોકો પોતાની જવાબદારીઓ નિભાવવા માટે ઘરમાંથી બહાર નીકળી રહ્યાં છે. શ્રી મોદીએ ધ્યાનમાં લીધું હતું કે, તહેવારોના આગમન સાથે બજારોમાં હવે ફરી સામાન્ય સ્થિતિ જેવી રોનક આવી રહી છે.

 

 

તેમણે કહ્યું કે, છેલ્લા 7-8 મહિનામાં દરેક ભારતીયના પ્રયાસોના પરિણામે અત્યારે આપણી સ્થિતિ બહેતર છે અને કોઈએ આ સ્થિતિને બગડવા દેવી જોઈએ નહીં.પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દેશમાં દર્દીઓ સાજા થવાના દરમાં સુધારો આવ્યો છે અને મૃત્યુદર ઘટી ગયો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, પ્રત્યેક દસ લાખ નાગરિકોએ અંદાજે 5500 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે જ્યારે યુએસ અને બ્રાઝિલ જેવા દેશોમાં તો આ આંકડો લગભગ 25000 સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં પ્રત્યેક 10 લાખ નાગરિકોએ મૃત્યુદર 83 છે જ્યારે યુએસ, બ્રાઝિલ, સ્પેન, બ્રિટન જેવા વિકસિત દેશો સહિત અન્ય ઘણા દેશોમાં તે લગભગ 600ની આસપાસ છે.

 

 

પ્રધાનમંત્રીએ પ્રશંસા કરતા કહ્યું હતું કે, ઘણા વિકાસશીલ રાષ્ટ્રોની સરખામણીએ, ભારત પોતાના વધુમાં વધુ નાગરિકોના જીવનનું રક્ષણ કરવામાં સફળ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, દેશમાં કોવિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓ માટે 90 લાખથી વધુ બેડ અને 12000 ક્વૉરેન્ટાઇન કેન્દ્રો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં કોરોનાના પરીક્ષણ માટે 2000 કરતાં વધારે લેબોરેટરીઓ કાર્યાન્વિત છે જ્યારે કુલ પરીક્ષણોની સંખ્યા ટૂંક સમયમાં જ 10 કરોડના આંકડા સુધી પહોંચી જશે. તેમણે કહ્યું હતું કે, અન્ય કેટલાય સાધન સંપન્ન દેશોની સરખામણીએ ભારત પોતાના વધુમાં વધુ નાગરિકોનું જીવન બચાવવામાં સફળ રહ્યું છે અને કોવિડ મહામારી સામે દેશની લડાઇમાં પરીક્ષણોની વધતી સંખ્યા ખૂબ જ મોટી તાકાત પૂરી પાડે છે.

 

 

“સેવા પરમો ધર્મ”ના મંત્રનું પાલન કરીને આટલા વિશાળ જનસમુદાયની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહેલા ડૉક્ટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓના પ્રયાસોની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે લોકોને ચેતવ્યા હતા કે, આ તમામ પ્રયાસો વચ્ચે કોઈપણ વ્યક્તિ બેદરકાર ના થાય અને એવું ના માની લે કે, કોરોના વાયરસ જતો રહ્યો છે અથવા હવે કોરોનાનું કોઈ જોખમ રહ્યું નથી.જે લોકોએ સાચવેતી રાખવાનું બંધ કરી દીધું છે અથવા ઢીલાશ રાખે છે તેમને ચેતવતા તેમણે કહ્યું હતું કે, “જો તમે બેદરકાર થઇને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળશો તો, તમે તમારી પોતાની જાતની સાથે સાથે, તમારા પરિવાર, તમારા સંતાનો, વડીલોને પણ મોટા જોખમમાં મૂકી રહ્યાં છો.”


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application