ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કુલ રૂ. ૨૯.૪૦ કરોડના ખર્ચે સુરત જિલ્લા પંચાયત ભવનનું ઇ-ખાતમૂર્હુત કર્યું હતું. જેમાં સુરત ખાતે વન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા અને સામાજિક ન્યાય મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
ઇ-ભુમિપુજન કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવા જિલ્લા પંચાયત ભવન નિર્માણથી છેવાડાના લોકોને આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે તેમજ લોકોને અપાતી સરકારી સેવાઓમાં વધુ ઝડપ આવશે. પંચાયતી રાજ ગુજરાતનો આત્મા છે. મહાત્મા ગાંધીની કલ્પના હતી કે ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી સત્તાનું વિકેન્દ્રિકરણ અને ગ્રામ પંચાયતો ઉપર મિની સચિવાલયો બને તેવી ભાવનાથી છેવાડાના માનવીના પ્રશ્નોની વાચા મળે અને તેનો હકારાત્મક ઉકેલ આવે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાને વધુને વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. “આત્મા ગામડાનો અને સુવિધા શહેરોની”ના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકાર કાર્યરત છે ત્યારે આ નવીન ભવનોની જાળવણી અને કામો ઝડપી થાય તે જોવાની જવાબદારી પણ સ્થાનિક લોકોની છે.
આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સુરત માટે ઐતિહાસિક અને યાદગાર ક્ષણ છે. પંચાયત ભવન વિકાસનું મંદિર બનશે. લોકપ્રતિનિધિઓની રજૂઆતોને સાનુકુળ પ્રતિસાદ આપી રાજ્ય સરકારે નવા ભવનના બાંધકામને મંજૂરી આપી જેના ફળસ્વરૂપે નિયત સમયમાં નવું ભવન સાકાર થશે. વિકાસકામોની વણઝારથી રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર સાકાર થશે.
મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જિલ્લાના સર્વાંગી વિકાસમાં ફળદાયી નીવડશે એવી શુભેચ્છા પાઠવી નવુ ભવન વિકાસનું સોપાન બની રહેશે એમ જણાવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના વિકાસ એ પંચાયતનો મુળમંત્ર છે. સુદઢ વ્યવસ્થા સાથે વિકાસયાત્રા અવિરત રહેશે એવી ભાવના મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રીતિબેન પટેલે, નવુ ભવન જનસમાજના વિકાસ માટે આદર્શ ભવન રહેશે એમ જણાવ્યું હતું.
પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.કોયાએ મંત્રીશ્રીઓ અને સૌને આવકારી જણાવ્યું કે, સુરત જિલ્લા પંચાયત કચેરી દરિયા મહેલ ખાતે વર્ષોથી કાર્યરત છે. જયાં મર્યાદિત જગ્યાના કારણે પાર્કિંગ, સાંકડા રસ્તા સહિતની મુશ્કેલી અનુભવાતી હતી. સ્થાનિક પદાધિકારી-અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસ અને રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ થકી ટૂંક સમયમાં જ નવું ભવન સાકાર થશે.
નોંધનીય છે કે, વેસુ ખાતે પંચાયત ભવન ૧૨,૧૦૦ ચો.મી. જગ્યા ઉપર નિર્માણ પામશે. જેમાં કુલ ૨૧ પ્રકારની વિવિધ શાખાઓ/કચેરીઓના સમાવેશ સાથે સભાખંડ, મિટીંગ રૂમ, વેઈટીંગ રૂમ, લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટ્રોંગરૂમનો સમાવેશ છે. ખાસ કરીને નવું ભવન ઈકો ફ્રેન્ડલી બને તે માટે વરસાદી પાણીના સંગ્રહ અને યોગ્ય ઉપયોગ માટે રેઈનવોટર હાર્વેસ્ટીંગ કરવામાં આવશે. આગ જેવી ઘટના ન સર્જાય તે માટે ફાયર સેફટીનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. ભવન ત્રણ વર્ષમાં તૈયાર જશે.
આ પ્રસંગે સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ તથા પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો સર્વશ્રી ઝંખનાબેન પટેલ, વિવેક પટેલ, મોહનભાઇ ઢોડીયા, જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, સહિત જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500