Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી તાલુકાના ચાર સ્વસહાય જૂથોને રૂ.ચાર લાખ ધિરાણના મંજૂરીપત્રો એનાયત કરાયા 

  • September 18, 2020 

રાજ્યની મહિલાઓને સ્વાવલંબી બનવા સાથે આર્થિક ઉન્નતિના માટે રાજ્ય સરકારે જાહેર કરેલી 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના' અંતર્ગત બારડોલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ચાર સ્વસહાય જૂથની મહિલાઓને રૂા.ચાર લાખના ધિરાણ મંજૂરીપત્રો અર્પણ કરવામાં આવ્યાં હતાં, તેમજ બેંક ઓફ બરોડા સાથે ધિરાણ માટે સમજૂતી કરાર (એમઓયુ) કરાયા હતાં.

 

કાર્યક્રમમાં જય અંબે સખી મંડળ- ઝરીમોરા, ગજાનન સખી મંડળ-કડોદ, શ્રી સખી મંડળ-નસુરા, જય જલારામ સખી મંડળ-વઢવાણીયા એમ ચાર સ્વસહાય જૂથોને પ્રત્યેકને રૂ.એક લાખના ધિરાણના ચેક અર્પણ કરાયા હતા.

 

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ- તા.૧૭ સપ્ટેમ્બરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  ગાંધીનગરથી ઈ-માધ્યમથી રાજ્યવ્યાપી 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'નો પ્રારંભ કરાવ્યો હતો, જે સંદર્ભે બારડોલી તાલુકા પંચાયત ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે,  આ યોજના હેઠળ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે.

              મહિલા ઉત્કર્ષ યોજના થકી આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની મહિલા શક્તિ અગ્રેસર રહેશે એમ જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ અપાશે. મહિલા જૂથ દીઠ રૂ.એક લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મહિલાઓને આપવામાં આવશે.

 

 લોખંડી પુરૂષ સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીથી ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭૦મા જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ  રાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓ માટે લીધેલા શ્રેણીબધ્ધ પગલાઓથી દેશની કરોડો મહિલાઓ સ્વમાનભેર જીવન જીવી રહી છે. તેમણે કોરોના સંકટ પછીની બદલાયેલી આર્થિક અને સામાજિક જીવનશૈલીમાં રાજ્યની નારીશક્તિને આ યોજના આત્મનિર્ભર બનાવી પરિવારની સમૃદ્ધિના દ્વાર ખોલશે એમ, દઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના રાજ્યના એક લાખ જેટલા મહિલા સ્વસહાયતા જૂથોને પ્રત્યેકને રૂા.એક લાખનું આર્થિક ધિરાણ આજીવિકામાં વધારો કરતી પ્રવૃત્તિઓ માટે આપીને, જૂથો સાથે સંકળાયેલી રાજ્યની ૧૦ લાખ મહિલાઓને આર્થિક સશક્તિકરણ કરશે. આ યોજના હેઠળ રાજ્યની ૧૦ લાખ મહિલાઓને આવરી લઈ રૂ ૧૦૦૦ કરોડનું ધિરાણ આપવાનો લક્ષ્યાંક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application