Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શતાયુના આરે પહોંચેલા અરજણ દાદાએ કોરોનાને આપી મ્હાત

  • September 10, 2020 

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે આબાલ-વૃદ્વ સૌને ઝપેટમાં લઇ લીધા છે. આ વાઇરસ વડીલો પર વધુ અસર કરે છે. સુરતના ૯૫ વર્ષીય અરજણ દાદા તેજાણી પણ કોરોના સંક્રમિત થયા હતા. સિવિલ હોસ્પિટલમાં ૨૯ દિવસની સારવાર બાદ કોરોના સામે વિજય મેળવ્યો છે.

 

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભીમરાડ ગામના વતની અરજણદાદા પરિવાર સાથે મોટા વરાછા ખાતે રહે છે. સ્વસ્થ થઈને ઘરે પરત ફરતાં તેઓને જોઈને અવશ્ય કહી શકાય કે, સમયસર સારવાર અને દૃઢ મનોબળ હોય તો કોરોનાને પણ હાર સ્વીકારવી પડે છે.

 

અરજણદાદા કોરોનાને મ્હાત આપનાર સૌથી વયોવૃદ્ધ નાગરિક છે:

શતાયુના આરે પહોંચેલા અરજણદાદા કોરોનાને મ્હાત આપનાર સૌથી વયોવૃદ્ધ નાગરિક છે. તેઓ બીજું વિશ્વયુદ્ધ, આઝાદીની લડાઈ, છપ્પનીયો દુષ્કાળ, અનેક હોનારતો, ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહ્યાં છે.

 

નવી સિવિલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડો.પ્રિયંકા પટેલે જણાવ્યું હતું કે, અરજણદાદા તેજાણીને તા.૦૮ ઓગસ્ટે તાવ, ઉધરસ સાથે શારીરિક નબળાઈ જણાતા હિરાબાગ નજીક વલ્લભાચાર્ય કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં કોરોના રિપોર્ટ કરાવ્યો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તા.૯ ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને ૮૦ ટકા જેટલું થઈ ગયું હતું અને અર્ધબેભાન હાલતમાં હતા.

 

 અરજણદાદાને અન્ય કોઈ બિમારી ન હોવાથી કોવિડ વોર્ડમાં શિફ્ટ કરીને ૧૫ લીટર ઓક્સિજન પર સારવાર ચાલુ કરી. તેમની વયોવૃદ્ધ ઉંમરના કારણે તેમને સતત ઓક્સિજનની જરૂર રહી અને પ્રવાહી આહાર જ આપવામાં આવતો. દાદાની ઝિંદાદિલી અને તબીબોની સારવારથી ૨૦ દિવસ સતત ઓક્સિજન પર રહ્યા બાદ તંદુરસ્ત થયા. તેમને નોર્મલ રૂમ એર લાવવા સતત મોનિટરીંગ થયું. અંતે વોર્ડના સૌથી સિનિયર દર્દી અરજણદાદાએ કોરોના સામેની લડાઈમાં જીત મેળવી.  

 

          પૌત્ર દીપકભાઈ તેજાણીએ જણાવ્યું કે, દાદાએ પોતાની જિંદગીના ૬૦ વર્ષથી પણ વધારે ખેતી કરી છે. ખેતીની સખ્ત મહેનત અને ગ્રામ્યજીવનના શુદ્ધ વાતાવરણ તેમજ દેશી ખોરાકના કારણે આટલી ઉંમરમાં તેઓને એક દિવસ પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું નથી. મહેનતકશ જીવન જીવનાર આ દાદાની યુવાનોને શરમાવે તેવી તંદુરસ્તી રહી છે.

 

         દિપકભાઈ કોવિડ-૧૯ સારવારમાં આરોગ્ય વિભાગની મહેનતને દાદ આપે છે. અને કહે છે કે, દાદા આટલી મોટી ઉંમરે કોરોનાથી બચીને ઘરે સુખરૂપ પરત ફર્યા એમાં સૌથી મોટી ભૂમિકા નવી સિવિલના તબીબી સ્ટાફની રહી છે. તબીબો દરરોજ એક વાર દાદા સાથે વિડીયો કોલથી વાત કરાવી તેમની સ્થિતિથી વાકેફ કરાવતા. સ્ટાફે એક દિવસ પણ એવું મહેસૂસ નથી થવા દીધું કે દાદા હોસ્પિટલમાં દાખલ છે. અમને દાદાના નવજીવનની ભેટ આપી છે.

 

          નવી સિવિલના મેડિસિન વિભાગના ડો.અશ્વિન વસાવા, ડો. અમિત ગામીત અને ડો.વિવેક ગર્ગ, ડો.કુણાલ કુમાર, ડો.પ્રિયંકા પટેલ જેવા કર્મનિષ્ઠ તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમના સફળ ઉપચારથી ૯૫ વર્ષની ઝૈફ વયના અરજણદાદાને કોરોનાની લડાઈમાં જીત આપી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application