પાંડેસરામાં સાવકી માતાએ વાસણ ધોવા બાબતે ઠપકો આપતા ૭ વર્ષની બાળકી ટોઇલેટ જવાના બહાને ઘરેથી એક દિવસ પહેલાં સવારે ગુમ થઈ હતી. પરિવારે આજુબાજુ શોધખોળ કરી છતાં કોઈ વાવડ ન મળતા બુધવારે બપોરે પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ બાળકીને શોધવા કામે લાગી હતી. મોડીરાતે શહેર પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારી તેમજ ૨૫૦થી વધુનો પોલીસ કાફલો બાળકીને શોધવા કામે લાગ્યો હતો. જેમાં બાળકી પરવત પાટીયા વિસ્તારમાંથી મળી આવતાં પોલીસ અને પરિવાર સહિતનાએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે બાળકીને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપી હતી. બાળકી અગાઉ પણ ઘરેથી નાસી ગઈ હતી અને આઠ દિવસ પહેલાજ ચિલ્ડ્રન હોમ ખાતેથી પરત ઘરે આવી હતી
પાંડેસરામાં રહેતી સાત વર્ષીય બાળકી એક દિવસ પહેલાં ઘરેથી ગુમ થઇ ગઇ હતી. જેને લઇ પાંડેસરા , સચીન , સચીન જીઆઇડીસી પોલીસ મથકનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ બાળકીને શોધવા કામે લાગ્યા હતા. આજુબાજુના વિસ્તારોમાં સર્ચ ઓપરેસન હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં પાંડેસરા પિયુષ પોઇન્ટના સીસીટીવી કેમેરા ઉપરાંત પત્રકાર કોલોનીના કેમેરામાં જતી દેખાય છે.
ત્યાર પછી પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા, જેમાં વીઆઇપી રોડના અને ગેલ કોલોની પાસેના કેમેરામાં દેખાય છે. જેને પગલે પોલીસનો કાફલો વીઆઇપી રોડ શોધખોળમાં કામે લાગી ગયો હતો. પછી વેસુ જોલી પ્લાઝા પાસેથી બાળકી બસમાં બેસી પરવત પાટીયા ગઈ હોવાની આશંકાને પગલે મોડીરાતે પોલીસની ટીમો પરવત પાટીયા તરફ દોડી ગઈ હતી. જ્યાંથી બાળકી સહિ સલામત મળી આવી હતી. પોલીસે બાળકીને રાત્રે જમાડયા બાદ ચિલ્ડ્રન હોમમાં મોકલી આપી હતી. પોલીસે બાળકીને શોધવા માટે રિક્ષામાં એલાઉન્સ ઉપરાંત સામાજિક સંસ્થાના કાર્યકરોની મદદ લીધી હતી.
પાંડેસરા તેમજ આજુબાજુના તમામ વિસ્તારો પોલીસ ખૂંદી વળી હતી. તપાસમાં સેકટર-૨ના એડિશનલ પોલીસ કમિશનર એચ.આર.મુલીયાણા સ્ટાફ સાથે ફુટ પેટ્રોલિંગ કરી શોધખોળ કરી હતી. પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડની પાસે જલારામ સોસાયટીમાં એક મકાનનું રિપેરીંગ કામ ચાલે છે. જ્યા બાળકીના માતા-પિતા છેલ્લા બે મહિનાથી ત્યાં રહી મજૂરી કામ કરે છે. આ બાળકી ૪ મહિના પહેલા પણ ગુમ થઈ હતી. તે વખતે બાળકીને બાળ સુરક્ષા એકમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500