ધરતીપુત્રોની આવકમાં વૃધ્ધિ થાય તથા રાજય સરકારની સાત જેટલી નવીનત્તમ વિવિધ કૃષિલક્ષી યોજનાઓથી ખેડુતોને માહિતગાર કરવાના આશય સાથે વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે બારડોલી અને માંડવી તાલુકા મથકે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરિમયાન છ તાલુકાના ૨૯ ખેડુતોને રોટાવેટર, પાવર ટીલર, ટ્રેકટર માટે રૂા.૧૭.૩૫ લાખની સહાયના ચેકોનું વિતરણ મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખેડૂતોને યોજનાકીય માહિતીથી વાકેફ કરતાં આદિજાતિ મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, ખેડુતોના કલ્યાણને વરેલી રાજય સરકારે સાત જેટલી નવી કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારના સકારાત્મક પ્રયાસોના પરિણામે રૂા.૧૪ હજાર કરોડનું કૃષિ ઉત્પાદન આજે વધીને એક લાખ ૭૦ હજાર કરોડે પહોચ્યું છે.
આદિવાસી બાંધવોના સર્વાંગી કલ્યાણ અર્થે રાજય સરકાર કટિબદ્વ છે, એમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજય સરકારે આદિવાસી વિસ્તારોમાં છેલ્લા દસ વર્ષમાં ૭૦ હજાર જેટલા વિજળીના કનેકશનો સહિત ૧૦૦ જેટલા ૬૬ કે.વી. સબ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. અતિવૃષ્ટી કે કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકશાન બદલ ખેડુતોને હેકટરદીઠ રૂા.૨૫૦૦૦ની સહાય એનાયત કરવામાં આવશે. ખેડુતોની જમીનો ભૂ-માફીયાઓ પચાવી ન પાડે તે માટે રાજય સરકારે સખ્ત કાયદાનું રૂપ આપીને ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ખેડુતોની આવક ૨૦૨૨ સુધીમાં ડબલ કરવાના ભાગરૂપે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સુરત જિલ્લામાં કિસાન સમ્માન યોજના હેઠળ ૧.૨૧ લાખ ખેડુતોને રૂા.૧૨૯ કરોડની સહાય આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સાત નવી યોજનાઓ જેમાં કિસાન પરિવહન યોજના હેઠળ ગુડઝ કેરેઝ વાહનની ખરીદી માટે રૂા.૭૫ હજાર, પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ માટે સામુદાયિક સ્તરે કોમ્યુનિટી બેઝ ભુગર્ભ ટાંકાઓ માટે જુથ દીઠ રૂા.૯.૮૦ લાખ, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ નાના ગોડાઉન માટે રૂા.૩૦ હજાર, સીમાંત ખેડુતો માટે સ્માર્ટ હેન્ડટુલકીટ માટે રૂા.૧૦ હજાર, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે ડ્રમ,ડોલ, ફળ-શાકભાજીના છુટક વિક્રેતાઓને તથા ગાય આધારિત ખેતી માટે પ્રતિ માસ રૂા. ૯૦૦ની સહાય એનાયત કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500