તાપી જિલ્લામાં સરકારશ્રીની સુજલામ સુફલામ, નરેગા યોજના અને વનવિભાગના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત જળસંચયના કામો હાથ ધરાયા હતા. ફલસ્વરૂપે ડુંગરાળ વિસ્તારોના ૪૦ જેટલા તળાવ પાણીથી છલોછલ બન્યા છે.
તાપી જિલ્લાના દક્ષિણ સોનગઢના પાણીની અછત રૂપી ડુંગરાળ વિસ્તારોના 40 તળાવ પાણીથી છલોછલ ભરાઇ ગયા છે. ડુંગરાળ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ અને પીવા માટે પાણી ઉપલબ્ધ થતાં રહે તો લોકોનું જીવનધોરણ ઊંચું આવી શકે તે હેતુથી માટી ના બંધો બનાવવામાં આવ્યા હતા. ગત ચોમાસામાં આવા માટી ના બંધો તૂટતા અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિવસ રાત એક કરીને ભરપૂર પ્રયાસો હાથ ધર્યા હતા. ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે આ વર્ષે વહીવટીતંત્ર દ્વારા આવા માટીના પાળાના મજબૂતીકરણ માટે સુજલામ સુફલામ, નરેગા યોજના અને વનવિભાગના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉપરાંત વધારાના પાણીના નિકાલ માટે વેસ્ટ વિયર પણ બનાવવામાં આવેલ છે.
ચાલુ સિઝનમાં વરસાદ થી તળાવ તો ભરાયા જ છે ઉપરાંત તળાવની માટીની બનેલી પાળો પણ મજબૂત કરી હોવાથી હાલ ચાલુ ચોમાસે વહીવટીતંત્રે નિરાંતનો શ્વાસ લીધો છે. આ તળાવમાં પાણીના સંગ્રહથી અત્તરિયાળ અને ડુંગરાળ ગામોમાં જળસ્તર વધી જતા લોકોને સિંચાઈ અને પીવા માટે પાણીની ઉપલબ્ધતા રહેશે. જેથી લોકોને મજૂરી અર્થે બહાર નહીં જવું પડે અને બાળકોને નિરંતર શિક્ષણ નો લાભ પણ મળતો રહેશે. આ ક્ષણે જિલ્લાના કલેકટર શ્રી આર. જે. હાલાણી એ જિલ્લામાં પૂરતો વરસાદ થતા ખેડૂતો ને અભિનંદન આપ્યા હતા સાથે સાથે અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોમાં માટીના પાળાના નિર્માણમાં તેમની મહત્વપૂર્ણ કામગીરી હતી તેવા તત્કાલીન કલેકટર શ્રી નીનામા ને પણ યાદ કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500