મહારાષ્ટ્ર અને ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કુદરતે સૌંદર્યના અણમોલ ખજાનાનું સર્જન કર્યું છે. સહ્યાદ્રી પર્વતની ગિરીમાળાઓમાં ગાઢ જંગલો ધરાવતા આ પ્રદેશમાં સહેલાણીઓ માટે ખૂબ જ મજાનું પર્યટન સ્થળ સ્થાનિક બોલીમાં કાકાનો કળસો તરીકે ઓળખાય છે.જેની ઉંચાઈ અંદાજીત ૩૦૦ ફૂટથી વધુ છે.
કુદરતી સૌદર્યનો ખજાનો એટલે ગુજરાત રાજ્યના છેવાડાના જિલ્લાઓ તાપી અને ડાંગ કે જેઓ મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા છે. ચોમાસાની ઋતુમાં ડુંગરોની ટોચ પરથી વરસાદનું પાણી પડતા આ જિલ્લાઓમાં ઠેર ઠેર નયનરમ્ય ધોધનું સર્જન થાય છે. આ અદભૂત દ્રશ્યને માણવા માટે સહેલાણીઓ ઉમટી પડે છે.
કાકા-કાકીનો ધોધ ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. અહીં પહોંચવા માટે ડાંગ જિલ્લાના કેશબંધ ગામથી ૫ કિ.મી.નું અંતર ડુંગરોની તળેટીમાં પગદંડીથી જ કાપવુ પડે છે.ગાઢ જંગલો હોવાથી સ્થાનિક જાણકાર વ્યક્તિને સાથે લઇ જવા પડે છે.અહીં ઉંચા ઘાસ અને વનસ્પતિઓ છવાયેલી હોવાથી આ જગ્યા ઉપર જવુ ખૂબ જ કઠીન છે. નાની નદીને બે વાર ઓળંગવી પડે છે. પ્રવાસીઓને એમેઝોન કે દક્ષિણ આફ્રિકાના જંગલોની યાદ આવી જાય એટલા ગીચ જંગલો અહીં આવેલા છે.
■તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી અંદાજીત ૭૦ કિ.મી.સોનગઢ થી ૬૫ કિ.મી. અને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલો છે.
પ્રવાસીઓએ કાકા-કાકીનો આ ધોધ (અંદાજીત ૩૦૦ ફૂટ) નિહાળવો હોય તો તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી અંદાજીત ૭૦ કિ.મી.સોનગઢ થી ૬૫ કિ.મી. અને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલો છે. મહારાષ્ટ્રના નંદરબાર અને ધુલિયા જિલ્લાની સરહદ અહીં આવેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ સ્થળે પહોંચવા માટે સુંદર માર્ગો નું નિર્માણ કરાયું છે જ્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવાપુર-પીંપલનેર-નંદરબાર-ધુલિયા માર્ગ ઉપર બરજર ગામ નજીક નદી કિનારે રસ્તો બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું.
સ્થાનિક અગ્રણી ભૂપેન્દ્રભાઈ કુંવરે જણાવ્યું હતું કે વર્ષો પહેલા અમારા વડિલો કહેતા હતા કે કાકા-કાકીના ધોધ પૈકી કાકાનો ધોધ ગુજરાતના ડાંગ જિલ્લાની સરહદે આવેલો છે.જ્યારે કાકીનો ધોધ મહારાષ્ટ્ર રાજ્યમાં પડે છે. અમારા કેશબંધ ગામથી અંદાજીત ૫ કિ.મી.દુર આવેલો છે. જે માત્ર પગ રસ્તે જ જઈ શકાય છે. આ જગ્યાએ પહોંચવા બે કલાક જેટલો સમય થાય છે.
કેશબંધ ગામના ખેડૂતો આ દુર્ગમ ખીણ પ્રદેશમાં ઓર્ગેનિક ખેતી-પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સ્થાનિક ખેડૂત જશવંતભાઈ કુંવરે વહીવટી તંત્રની ટીમની સાથે ગાઈડની ભૂમિકા અદા કરતા જણાવ્યું હતું કે કાકા-કાકીના ધોધની લોકવાયકા છે કે અહીં આવતા પ્રવાસીઓ મનભરીને સૌંદર્ય માણી શકે છે. પરંતુ અહીં ક્યારેય જાનહાની થઇ નથી. આ ધોધ અને નદીની ભૌગોલિક રચના જ એવી છે કે પ્રવાસીઓ માટે ખૂબ જ સલામત જગ્યા છે. અહીં એક વિશિષ્ટ પ્રકારનું ઘાસ થાય છે. જેને સ્થાનિક બોલીમાં સુરમા તરીકે લોકો ઓળખે છે. જેના પાન ચા ની અંદર નાંખવામાં આવે તો અનેરી લિજ્જતદાર ચા બને છે. આ ઘાસના મૂળ પશુઓના પાચનતંત્ર માટે ઉત્તમ પ્રકારની ઔષધિ તરીકે અહીંના લોકો ઉપયોગમાં લે છે. અહીંના ખીણપ્રદેશમાં ઘણી બધી ઔષધીઓ જોવા મળે છે. જેને સ્થાનિક પારંપરિક જડીબુટ્ટીઓના જાણકાર લોકો ઉપયોગ કરે છે. જંગલી કેળાના છોડ અહીં ચવ તરીકે લોકો ઓળખે છે. જેના કુમળા થડ ને સલાડ તરીકે ઉપયોગ કરી શકાય છે. જેને ખાવાથી ઉત્સર્જન તંત્ર સારી રીતે કામ કરે છે. એવી માન્યતા છે. આમ આ પ્રકારની ઔષધિઓના સેવનથી અહીંના લોકો નિરોગી અને સશક્ત જોવા મળે છે.
કાકા-કાકીના ધોધ એટલો તો રમણીય છે કે જેને નિહાળી સહેલાણીઓ ભાવવિભોર બની નાચી ઉઠે છે. ચાલવાનું અંતર વધુ અને દુર્ગમ હોવાથી ધોધની નજીક ન પહોંચી શકાય તો ધોધની ચારે તરફથી દુરથી પણ આ નજારો માણી શકાય છે. ખૂબ જ ઓછા લોકો આ સ્થળને જાણતા હોવાથી અત્યાર સુધી આ સ્થળ અજાણ્યું બની રહ્યું હતું પરંતુ લોકો વધુ સારી રીતે માણી શકે અને આપણાં પર્યટન સ્થળોનો વિકાસ થાય તે હેતુથી તાપી જિલ્લા વહીવટીતંત્રની ટીમે ખાસ મુલાકાત લીધી હતી. સાથે સાથે પ્રવાસીઓને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે કુદરતી સૌંદર્યના ઘરેણા સમાન આપણી પ્રવાસન સંપત્તિને સ્વચ્છ રાખીએ... તો ચાલો કાકા-કાકીના ધોધને આપણે પણ નિહાળીએ..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application