કોરોના વાયરસ વડીલો માટે જોખમી હોવાથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અવારનવાર અનુરોધ કરવામાં આવે છે. આવા સંજોગોમાં પણ ૫૦ વર્ષથી વધુ વયના દર્દીઓએ કોરોના ઉપર જીત મેળવી હોય એવા સેંકડો કિસ્સાઓ ઉજાગર થયાં છે, ત્યારે મહુવા તાલુકા ધોળીકુઈ ગામના ડાયાબિટીસ અને ન્યુમોનિયાથી પીડિત ૫૬ વર્ષિય પ્રફુલ્લભાઈ પટેલે સાત દિવસમાં કોરોના સામે જંગ જીત્યો છે.
પ્રફુલ્લભાઈ ડાયાબિટીસના દર્દી છે. જેમને નબળાઈ અને શરદી-ખાંસી થતાં તા.૨૬મી જુલાઈએ બારડોલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ન્યુમોનિયા સાથે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવતાં તા. ૨૭ જુલાઈએ ૧૦૮ એમ્બ્યુલન્સથી બારડોલીથી સુરત સ્મીમેર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
સ્મીમેરના રેસિડેન્ટ ડો.દેવશ્રી રાવલે જણાવ્યું હતું કે, સ્મીમેરમાં આવ્યાં ત્યારે પ્રફુલ્લભાઈને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું હતું. ડાયાબિટિસની સાથે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઓછું હતું. ઉપરાંત કોરોના પોઝિટીવ આવ્યા હોવાથી સમયસર સારવાર કરવી જરૂરી હતી. કોવિડ વોર્ડમાં ફરજ પરના તબીબો દ્વારા દવા અને ઓક્સિજન સપોર્ટથી તેમના શ્વાસોચ્છવાસને નિયંત્રિત કરાયો હતો. ત્યારબાદ ધીરે ધીરે NRBM નોન રિબ્રિધર ઓક્સિજન માસ્ક પર લાવવામાં આવ્યા. સાત દિવસની સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે.
પ્રફુલ્લભાઈના પત્ની શ્રીમતી સવિતાબેને જણાવ્યું હતું કે, પરિવારમાં અમે પતિ-પત્ની બે સભ્યો છીએ. પતિએ ડર્યા વિના કહ્યુ હતું કે, હું જલ્દી જ સારો થઈ જઈશ. તેમની હિંમતથી મારૂ પણ મનોબળ મજબૂત બન્યું. ગ્રામજનો અને આશા વર્કર્સનો પુરો સહયોગ મળ્યો હતો. સ્મીમેરની સારવારથી મારા પતિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત આવ્યાં છે. સ્મીમેરના સ્ટાફની સરાહના કરતા તેમણે કહ્યું કે, ઘર પરિવારની જેમ જ ડોક્ટરો અને નર્સ સ્ટાફે મારા પતિની સારસંભાળ રાખી હતી.
પ્રફુલ્લભાઈની સંપૂર્ણ સારવાર સ્મીમેરના એનેસ્થેસિયા વિભાગના એડિશનલ પ્રોફસર ડો. ભાવના સોની અને ડો. માલતી પંડ્યા સાથે ટ્યૂટર ડો. પારૂલ જાનીના માર્ગદર્શન હેઠળ તથા રેસિડેન્ટ ડો.દેવશ્રી રાવલ, ડો.ડેઝી ગજ્જર, ડો.હિરેન અણદાણી, ડો. નિરવ સિરજા અને મૈત્રી તલેકરના સહકારથી ડાયાબિટીસ અને ન્યુમોનિયાથી પીડીત પ્રફુલ્લભાઈને ઝડપથી સ્વસ્થ થવામાં સફળતા મળી છે. અન્ય ગંભીર રોગોમાં તેમજ કોરોનાના ક્રિટીકલ કેસોમાં પણ સ્મીમેરની સારવારથી અનેક દર્દીઓના જીવન બચાવી શકાયા છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500